વુહાનથી ભારતીયોના પાછા લાવવા ચીનનો અસહકાર કેમ?

નવી દિલ્હીઃ ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં ડર ફેલાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચીનમાં અત્યાર સુધીમાં કુલ 2200 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. વિશ્વના ઘણા દેશો પોતાના નાગરિકોને ત્યાંથી બહાર લાવી ચૂક્યા છે. આ મહિનાની શરુઆતમાં ભારત દ્વારા પર બે વિશેષ વિમાનોથી આશરે 600 જેટલા ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરીને ભારત લાવવામાં આવ્યા હતા. ત્યારે ફરીથી એકવાર ભારતે રાહત સામગ્રીને લઈને એક વિશેષ વિમાન ત્યાં મોકલવા માટે તૈયારી કરી લીધી છે. આ વિમાન ત્યાં રહી ગયેલા ભારતીયોને અહીંયા લાવશે. ત્યારે ચીન પર આરોપ લાગી રહ્યો છે કે, તેણે જાણી-જોઈને અત્યારસુધી ત્યાં વિમાનને ઉતરવાની મંજૂરી આપી નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર, ચીને રાહત સામગ્રીને લઈને જનારા વિમાનને મંજૂરી આપી નથી. આ વિમાન રાહત સામગ્રી ત્યાં મુકીને વુહાનથી ભારતીયોને પાછા લાવશે. ભારતીય વાયુસેનાનું આ વિશેષ વિમાન વુહાન મોકલવામાં મોડુ થઈ રહ્યું છે તે મામલે અધિકારીક સૂત્રોએ જણાવ્યું કે, પાડોશી દેશ જાણી-જોઈને મંજૂરી આપવામાં મોડુ કરી રહ્યો છે. બીજીતરફ ચીને આ રિપોર્ટ્સનું ખંડન કર્યું. ચીન કહી રહ્યું છે કે કોઈ મોડુ કરવામાં આવી રહ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, 17 ફેબ્રુઆરીના રોજ ભારત સરકારે જાહેરાત કરી હતી કે ભારતીય વાયુસેના સૌથી મોટા વિમાન “C-17 ગ્લોબમાસ્ટર” ને દવાઓ સાથે વુહાન મોકલશે. રાહત સામગ્રીને ત્યાં મૂક્યા બાદ વિમાન ત્યાં ફસાયેલા કેટલાક ભારતીયોને પાછા ભારત લાવશે. વુહાનમાં અત્યારે પણ ઘણા ભારતીયો ફસાયેલા છે. તેમનો પરિવાર તેમને ત્યાંથી અહીંયા પાછા લાવવા માટે સતત ભારત સરકારને અપીલ કરી રહ્યો છે.