ભારતવિરોધી સૂત્રોચ્ચાર કરનાર યુવતીએ FB પર શું લખ્યું હતું?

નવી દિલ્હીઃ બેંગલુરુમાં સિટિઝન્સ એમેડમેન્ટ એક્ટ (CAA)ની વિરુદ્ધ થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’નો સૂત્રોચ્ચાર કર્યા બાદ તેની સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. તે આગળ કંઈ કહે એ પહેલાં તેને રોકવામાં આવી હતી અને પોલીસે તેને મંચ પરથી નીચે ઉતારી દીધી હતી. હૈદરાબાદના સંસદસભ્ય અને AIMIMના પ્રમુખ અસદ્દુદ્દીન ઓવેસી એ વખતે મંચ પર હાજર હતા.ઓવેસીએ પણ તેને અટકાવવાના પ્રયત્નો કર્યા હતા. તેમણે એ પણ કહ્યું હતું કે અમે કોઈ પણ હાલતમાં દુશ્મન દેશનું સમર્થન નથી કરતા.  

અમૂલ્યા નામની આ યુવતીએ ‘સંવિધાન બચાવો’ના બેનર હેઠળ આયોજિત એક જનસભામાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. જેવું આ યુવતીએ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ બોલવાનું શરૂ કર્યું કે તરત જ અસદુદ્દીન અને અન્ય બે લોકોએ તેને રોકવા માટે આગળ વધ્યા અને તેની પાસેથી માઇક્રોફોન લઈ લેવાના પ્રયત્નો કર્યા. ઓવેસીએ અમૂલ્યાને કહ્યું કે તમે આ શું બોલી રહ્યા છો?  તે યુવતીએ કહ્યું કે ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ અને પાકિસ્તાનની વચ્ચે ફરક છે. એ પછી કેટલાક લોકોએ તેને વચ્ચે જ અટકાવી હતી.

જોકે અમૂલ્યાએ પાછલા સપ્તાહે ફેસબુક પોસ્ટમાં પાકિસ્તાન સહિત બધા પડોશી દેશોની પ્રશંસા કરી હતી. તેણે લખ્યું હતું કે ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’, ‘પાકિસ્તાન ઝિંદાબાદ’, ‘બંગલાદેશ ઝિંદાબાદ’, ‘શ્રીલંકા ઝિંદાબાદ’, ‘અફઘાનિસ્તાન ઝિંદાબાદ’, ‘ચીન ઝિંદાબાદ’, ‘ભૂતાન ઝિંદાબાદ’. તે મહિલાએ કન્નડ ભાષામાં ફેસબુક પર લખ્યું હતું કે પોતાના દેશને પ્રેમ કરો અને બીડા દેશોનું સન્માન કરો.