જમ્મૂ-કાશ્મીરઃ લશ્કરના કમાન્ડર સહિત 2 આતંકી ઠાર

અનંતનાગઃ જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અનંતનાગ જિલ્લામાં મોડી રાત સુધી પોલીસ, આર્મી અને સીઆરપીએફે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. કાશ્મીર પોલીસને અનંતનાગ જિલ્લાના સંગમ સ્થિત બિજબેહારા વિસ્તારમાં લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર ફુરકાન છુપાયેલો હોવાની સૂચના મળી હતી. બાદમાં પોલીસ, સીઆરપીએફ અને સેનાએ સંયુક્ત ઓપરેશનની રણનીતિ બનાવી છે. સુરક્ષા દળોએ મોડી રાત સુધી ચાલેલા ઓપરેશનમાં ફુરકાનને મોતને ઘાટ ઉતાર્યો છે. ફુરકાન સાથે લશ્કરના અન્ય એક આતંકીને પણ ઠાર કરાયો છે. જે જગ્યાએ આતંકીઓ છુપાયેલા હતા, ત્યાંથી મોટી માત્રામાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. કાશ્મીરના આઈજીપીએ જણાવ્યું કે, ગુપ્તચર જાણકારીના આધાર પર આ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગત મંગળવારના રોજ સુરક્ષા દળોએ આતંક વિરુદ્ધ શરુ કરવામાં આવેલા ઓપરેશનમાં ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. જમ્મૂ-કાશ્મીરના પુલવામાં સ્થિત ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા.

સુરક્ષાદળોને આતંકીઓ પાસેથી એકે-47, એક પિસ્તોલ મળી આવ્યાં છે. આ અગાઉ જમ્મુ અને કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં બુધવારે 19 ફેબ્રુઆરીના રોજ થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર કર્યા હતાં. પુલવામાના અવંતીપોરા વિસ્તારમાં મંગળવારે રાતે થયેલી અથડામણમાં જે આતંકીઓ માર્યા ગયા તેમાં કુખ્યાત આતંકી કમાન્ડર પણ સામેલ છે.

આતંકવાદીઓની ઓળખ જહાંગીર રફીક વાની, રાજા ઉમર મકબુલ ભટ અને ઉજૈર અહેમદ ભટ તરીકે થઈ હતી. પોલીસના એસઓજીની એક ટીમને આતંકીવાદીઓ અંગે ખાસ જાણકારી મળી હતી અને ત્યારબાદ અવંતીપોરામાં ઓપરેશન શરૂ કરાયું હતું.