આ વર્ષે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ નહીં થાય ચારધામ! જાણો કેમ?

હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રા ખૂબ જ મહત્વ ધરાવે છે, જેમાં ઉત્તરાખંડના ચાર પવિત્ર ધામો યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લેવામાં આવે છે. દર વર્ષે ઉત્તરાખંડ સરકાર આ યાત્રાનું આયોજન કરે છે. જે થોડા મહિનાઓ સુધી ચાલે છે અને હિમવર્ષા શરૂ થતા બંધ થાય છે. આ વર્ષે ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ થશે, જેના માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ વખતે યાત્રામાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જે દરેક યાત્રીએ જાણવા જરૂરી છે.

આ વર્ષે ચારધામ યાત્રામાં યુટ્યુબર્સ અને વીડિયો રીલ બનાવનારાઓને મંદિર પરિસરમાં પ્રવેશ નહીં મળે. કેદારનાથ-બદ્રીનાથ પાંડા સમાજે આ નિર્ણય લીધો છે કે રીલ નિર્માતાઓ અને વીડિયો કન્ટેન્ટ ક્રિએટર્સને મંદિરમાં દાખલ થવા દેવામાં નહીં આવે. જો કોઈ આવું કરતું જોવા મળશે તો તેને દર્શન વિના પરત ફરવું પડશે. આ નિર્ણય વિશે સ્થાનિક પ્રશાસનને પણ જાણ કરાઈ છે. ગયા વર્ષે રીલ બનાવવાના કારણે મંદિર પરિસરમાં અવ્યવસ્થા ફેલાઈ હતી. ખાસ કરીને કેદારનાથ ધામમાં, જે સમુદ્ર સપાટીથી 12 હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે, રીલ બનાવવા માટે ઢોલનો ઉપયોગ થયો હતો. આવા ધ્વનિ પ્રદૂષણથી પર્યાવરણને નુકસાન થયું હતું. ઘણા લોકો આધ્યાત્મિક અનુભવ મેળવવાને બદલે સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા રીલ બનાવવામાં વ્યસ્ત રહ્યા હતા. આથી આ વખતે કેમેરા ચાલુ કરવા પર પણ રોક લગાવવાની વાત ચાલી રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસરા આ વર્ષે ચારેય ધામમાં VIP દર્શનની વ્યવસ્થા પણ બંધ રહેશે. કેમ કે તેમણું માનવું એવું છે કે, દર્શન માટે પૈસા લેવા એ ભગવાનની પવિત્રતા સામે અન્યાય છે. બધા યાત્રીઓ સમાન છે અને દર્શન માટે એક જ લાઇનમાં ઊભા રહેવું જોઈએ. યાત્રાની ધાર્મિક ભાવનાને જાળવવી રાખવા માટે આ નિર્ણય લીઘો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ વર્ષે 30 એપ્રિલે અક્ષય તૃતીયાના દિવસે ચારધામ યાત્રા શરૂ થશે. સૌપ્રથમ ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખુલશે, જ્યારે 2 મેના રોજ કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવશે. રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે, અને યાત્રીઓને આ નવા નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આ નવા નિયમો યાત્રાની પવિત્રતા અને પર્યાવરણની સુરક્ષા માટે લાગુ કરાયા છે, જેથી શ્રદ્ધાળુઓને શાંતિપૂર્ણ અનુભવ મળી શકે.