રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તામાં વાપસી કરે એવી શક્યતાઃ સર્વે

નવી દિલ્હીઃ રાજસ્થાનના ચૂંટણી રણમાં ફરી એક વાર કોંગ્રેસ સત્તા સંભાળે એવી વકી છે, એવું એક સર્વે કહે છે. આ સર્વેમાં પાર્ટીને 97થી 105 બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે સીધી ટક્કર છે. આ સર્વે પછી કોંગ્રેસની ગહેલોત સરકારની વિશ્વનીયતા વધશે, આ સર્વે IANS-Polstratએ કર્યો છે.

આ સર્વે મુજબ પહેલી સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બરની વચ્ચે કરવામાં આવ્યો હતો અને એના સેમ્પલનું કદ 6705 છે. હાલમાં 200 સીટોવાળી રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસના 100 વિધાયક છે અને ભાજપના 73 સભ્યો છે. આ સર્વેમાં ભાજને 89-97 સીટો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જે પક્ષના 2018ના દેખાવથી ઘણો સારો છે. જોકે આમાં BSP અને અન્યને  સીટોનું નુકસાન થઈ રહ્યું હોવાનું બતાવવામાં આવ્યું છે. BSPને ચાર સીટો સુધી મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. હાલ BSPના છ વિધાનસભ્ય છે. કોંગ્રેસને બે ટકા મતોનો પોઝિટિવ સ્વિંગનો લાભ મળે એવી શક્યતા છે. કોંગ્રેસને 41 ટકા તો ભાજપને 40 ટકા મતહિસ્સો મળવાની શક્યતા છે.

જોકે રાજસ્થાનના CM અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે રાજસ્થાનમાં ચૂંટણી યોજવાની છે, જેમાં તમામ પક્ષો દ્વારા સતા પર આવવા માટે જોરશોર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા સચિન પાયલોટે આગામી મુખ્ય મંત્રી કોણ હશે તે અંગે મોટો દાવો કર્યો છે. તેમણે આ બાબતે જણાવ્યું હતું કે રાજસ્થાનમાં આગામી મુખ્ય મંત્રી કોણ હશે તે અંગે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો નિર્ણય અંતિમ ગણવામાં આવશે. ગેહલોત કે પાયલોટ જૂથ આ અંગે નિર્ણય લેશે નહીં.