નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું છે કે દેશના ડેરી સેક્ટરને માઠી અસર પહોંચાડનાર ચામડીના લંપી રોગ (લંપી સ્કિન ડિસીઝ – LSD)ના ફેલાવાને રોકવા માટે કેન્દ્ર અને રાજ્યોની સરકારો સાથે મળીને પ્રયાસ કરી રહી છે.
ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનની વર્લ્ડ ડેરી કોંગ્રેસના ઉદઘાટન સત્રમાં કરેલા સંબોધનમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે પશુ અને ઢોરઢાંખરને થતા LSD અથવા લંપી વાઈરસને રોકવા માટે દેશી ટેક્નોલોજી વડે રસીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ રસીને તાત્કાલિક રીતે દેશભરમાં પૂરી પાડવામાં આવશે. સાથોસાથ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પશુ-ઢોરોની અવરજવર ઉપર પણ નિયંત્રણ મૂકવામાં આવશે જેથી રોગનો ફેલાવો ન થાય. આ રોગ ભારતના ડેરી ઉદ્યોગ માટે મોટો પડકાર બની ગયો છે. એણે અત્યાર સુધીમાં 60 હજારથી વધારે પશુઓનો ભોગ લીધો છે અને તે દેશના 11 રાજ્યોમાં ફેલાયો છે.