‘ટોમેટો ફ્લૂ’ બીમારીના કેસ વધ્યાઃ રાજ્યોને ગાઈડલાઈન્સ

નવી દિલ્હીઃ દેશમાં ચેપી બીમારી હેન્ડ ફૂટ એન્ડ માઉથ ડિસીઝ (HFMD) જેને ‘ટોમેટો ફ્લૂ’ કહેવામાં આવે છે, તેના કેસ વધી ગયા છે. કેરળ રાજ્યમાં આ બીમારીનો શિકાર બનેલા બાળકોની સંખ્યા વધી ગઈ છે. એને પગલે અમુક અન્ય રાજ્યોમાં પણ ટોમેટો ફ્લૂના કેસ નોંધાયા છે. આને કારણે કેન્દ્રના આરોગ્ય વિભાગે એક વિસ્તૃત અહેવાલ બહાર પાડ્યો છે અને ટોમેટો ફ્લૂના લક્ષણ તથા એના ઉપચાર વિશે જાણકારી આપી છે. તમામ રાજ્યોને મોકલવામાં આવેલી ગાઈડલાઈન્સમાં કેન્દ્રીય વિભાગે કહ્યું છે કે આ નિર્દેશોનું પાલન કરવાથી બાળકોને ટોમેટો ફ્લૂથી બચાવી શકાય છે.

(Image courtesy: Wikimedia Commons)

શું છે ટોમેટો ફ્લૂ?

ટોમેટો ફ્લૂ નવજાત બાળકોથી લઈને 9 વર્ષ સુધીની વયનાં બાળકોને શિકાર બનાવે છે. આ ફ્લૂમાં બાળકને ખૂબ તાવ આવે છે, ઝાડા થઈ જાય છે, શરીરનાં સાંધાઓ દુખે છે. ટોમેટો ફ્લૂના લક્ષણો ચિકનગુનિયા અને ડેંગ્યૂ બીમારી જેવા જ હોવાનું ડોક્ટરોનું કહેવું છે. ડોક્ટરોએ ખાસ કહ્યું છે કે ટોમેટો ફ્લૂ બીમારીને ટમેટાં શાકભાજી સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. આ બીમારીમાં શરીર પર ટમેટાં જેવા લાલ રંગની ફોડલી (ફોલ્લી) અથવા ચાઠાં કે ગૂમડાં દેખાય છે. તેથી જ એને ટોમેટો ફ્લૂ કહેવામાં આવે છે. મોઢાની અંદર, જીભ પર કે પેઢાં પર ફોડલીઓ થાય છે.

ટોમેટો ફ્લૂનો ઉપચાર

  • દર્દી બાળકને પાંચથી સાત દિવસ અલગ રાખવો પડે છે. આ બીમારી પ્રસરે નહીં એની કાળજી લેવી પડે છે.
  • પરિસરને સ્વચ્છ રાખવું.
  • દર્દી બાળકને અન્ય બાળકો સાથે રમવા ન દેવા. એને કોઈ રમકડું પણ રમવા માટે આપવું નહીં.
  • ફોડલીને હાથ લગાડવો નહીં. ધારો કે એને હાથ લાગી જાય તો હાથ ધોઈ નાખવા. સંક્રમિત બાળકનાં કપડાં, વાસણ અલગ રાખવા.
  • સંક્રમિત બાળકને માત્ર આરામ આપવો. ઝડપથી સાજા થવા માટે ઊંઘ અસરકારક છે.
  • સંક્રમિત બાળકનાં નાકમાંથી પાણી વહે કે ખાંસી આવે તો બાળકને રૂમાલ રાખવા પ્રોત્સાહિત કરવો જેથી ચેપ વધારે ફેલાય નહીં.
  • ફોડલી મટવા માંડે, ખંજવાળ આવે તો એ જગ્યાએ ખંજવાળશો નહીં.