નવી દિલ્હીઃ નિશ્ચિત કરવામાં આવેલી ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરીને જે સંસ્થાઓ અમુક સ્ટાર હોટેલ્સ સાથે સહયોગ કરીને કોરોનાવાઈરસ પ્રતિરોધક રસી માટે પેકેજ યોજનાઓ ઓફર કરી રહી છે એમની સામે કાનૂની અથવા વહીવટીય પગલાં લેવાનો કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અતિરિક્ત સેક્રેટરી મનોહર અગ્નાનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની જાણમાં આવ્યું છે કે કેટલીક ખાનગી હોસ્પિટલો કેટલીક હોટેલ્સ સાથે સહયોગ કરીને લોકોને કોવિડ-વેક્સિનેશન માટે પેકેજ યોજના ઓફર કરી રહી છે. નેશનલ કોવિડ વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત ઈસ્યૂ કરવામાં આવેલી માર્ગદર્શિકાઓની આ વિરુદ્ધમાં છે.
અગ્નાનીએ વધુમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે માત્ર આ પ્રકારના રસીકરણ કેન્દ્રો માટે પરવાનગી આપી છેઃ સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો, ખાનગી કોવિડ રસીકરણ કેન્દ્રો, કાર્યસ્થળો, વૃદ્ધજનો અને શારીરિક રીતે અક્ષમ વ્યક્તિઓ માટે એમનાં નિવાસસ્થાન નજીક કોવિડ રસીકરણ કેન્દ્રો (જેનું આયોજન હાઉસિંગ સોસાયટીઓ એક ગ્રુપ બનાવીને કરી શકે). આ સિવાય નેશનલ કોવિડ વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત કોરોના-પ્રતિરોધક રસી આપવા માટે બીજા કોઈ જ વિકલ્પ આપવામાં આવ્યા નથી. તેથી દેશમાં જે સ્ટાર હોટેલ્સ અને કેટલીક સંસ્થાઓ સાથે મળીને કોરોના રસીકરણ પેકેજ યોજનાઓ ઓફર કરી રહી છે તે સરકારે ઈસ્યૂ કરેલી ગાઈડલાઈન્સની વિરુદ્ધમાં છે અને તેને તાત્કાલિક રીતે અટકાવવાની છે.