કેન્દ્ર સરકારે દેશની સુરક્ષા ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા માટે અત્યાર સુધીના સૌથી મોટા સુરક્ષા સોદાને મંજૂરી આપી છે. શુક્રવારે સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ (સીસીએસ)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરક્ષા મંત્રાલયે આ નાણાકીય વર્ષ દરમિયાન 2.09 લાખ કરોડ રૂપિયાથી વધુના કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી દેશની આત્મનિર્ભરતા અને સ્વદેશી હથિયાર ઉત્પાદનમાં વધારો થશે.
ભારત દ્વારા બનાવવામાં આવેલા એલસીએચ પ્રચંડ હેલિકોપ્ટર પણ આ સોદાનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ અત્યાર સુધી 15 એલસીએચ પ્રચંડ હેલિકોપ્ટર તૈયાર કર્યા છે, જેમાંથી 10 ભારતીય વાયુસેનામાં અને 5 ભૂમિદળમાં સામેલ કરાયા છે. બે જણ બેસી શકે તેવું આ 15.5 ફૂટ ઊંચું હેલિકોપ્ટર 5,800 કિલો વજન ધરાવે છે અને 700 કિલો સુધી હથિયારો વહન કરવાની ક્ષમતા ધરાવે છે.
સેનાના રિટાયર્ડ અધિકારીઓ અને સુરક્ષા નિષ્ણાતોના મતે એલસીએચ પ્રચંડનો સૌથી મોટો હરીફ યુએચ અપાચે અને એએચ-1ઝેડ વાઇપર હેલિકોપ્ટર છે. જો કે, આ હેલિકોપ્ટરોની ઊંચી કિંમત અને અમેરિકાની નિકાસ નીતિની મર્યાદાઓને કારણે તેને ખરીદવું સરળ નથી. એક અપાચે હેલિકોપ્ટરની કિંમત 30 મિલિયન ડોલરથી વધુ છે, જ્યારે એએચ-1ઝેડ વાઇપર 20 મિલિયન ડોલરથી વધુમાં મળે છે. આજના સંજોગોમાં સેનાના મજબૂતિકરણ માટે અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ, સ્વદેશી હથિયારો અને હેલિકોપ્ટરોની પસંદગી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સોદાથી ભારતીય રક્ષા ક્ષેત્ર વધુ મજબૂત બનશે અને ભવિષ્યમાં દેશની સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ ફાળો આપશે.
