કેન્દ્ર, ગૃહપ્રધાન દિલ્હીમાં કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળઃ કેજરીવાલ

નવી દિલ્હીઃ દિલ્હીના ભૂતપૂર્વ CM કેજરીવાલે ગૃહપ્રધાન પર સીધો હુમલો કર્યો છે. દિલ્હીમાં કથળતી કાયદો વ્યવસ્થા પર તેમણે શાહ પર હુમલો કરતાં જણાવ્યું હતું કે દિલ્હીમાં દરેક તરફ અસુરક્ષિત માહોલ છે. દિનદહાડે શહેરમાં ગોળીઓ ચલાવવામાં આવી રહી છે.

 દિલ્હીમાં કરોડો રૂપિયાની પ્રોટેક્શન મની માગવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને ગૃહપ્રધાન અમિત શાહ કાયદો વ્યવસ્થાની જાળવવામાં નિષ્ફળ સાબિત થયા છે. આજે આ પત્રકાર પરિષદ ભારે મન અને દુઃખથી કરવી પડી રહી છે. આજે દિલ્હી વિશ્વની સૌથી અસુરક્ષિત રાજધાની છે. દિલ્હીમાં ત્રણ મહિનામાં યમુના પાર ગેંગવોરમાં 20 લોકોનાં મોત થયાં છે. પાણીમાં સુધારાની સ્થિતિ, પણ દિલ્હીમાં સુરક્ષાની જવાબદારી કેન્દ્રની છે.દિલ્હીમાં કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી ગૃહપ્રધાન અમિત શાહની છે. તેઓ 10 વર્ષમાં કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યા છે. દિલ્હીને રેપ કેપિટલ, ગેન્ગસ્ટર કેપિટલ કહેવામાં આવે છે. શહેરમાં મહિલાઓ અને વેપારીઓ સૌથી વધુ ડરેલા છે. કાલે હું નાંગલોઇ ગયો હતો. એક વેપારી પર ગોળી ચલાવવામાં આવી હતી, તેમને મળવા ગયો હતો, પણ મને અટકાવવામાં આવ્યો હતો. મને અટકાવવાથી કંઈ નહીં થાય અમિત શાહજી, એમ કેજરીવાલે કહ્યું હતું.

છેલ્લા એક વર્ષમાં 160 ખંડણીના કોલ આવ્યા છે. અનેક કોલ એવા હશે, જે લોકો જણાવી નથી રહ્યા. એક વેપારીને વિદેશના નંબરથી ખંડણીના કોલ આવ્યા છે, એણે પૈસા નહીં આપ્યા તો શૂટઆઉટ થાત, જેથી તેમણે ડરીને પૈસા આપી દીધા. આજે દિલ્હીમાં વેપાર કરવો ગુનો છે. આ બધી ઘટના અમિત શાહના ઘરથી થોડા કિલોમીટર દૂર બની રહી છે. તેઓ ઘરથી 20 કિમીના દાયરાને સુરક્ષિત નથી રાખી શકતા તો દેશને કેવી રીતે સુરક્ષિત રાખશે, એમ તેમણે જણાવ્યું હતું.