એનએસઈ કેસમાં ‘સેબી’ જવાબદારી ચૂકી: સીબીઆઇ સૂત્રો

નવી દિલ્હીઃ એનએસઈ કેસમાં સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા ‘સેબી’એ કરેલા દાવાથી તદ્દન જુદું ચિત્ર સીબીઆઇની તપાસમાં ઉપસી રહ્યું છે. ‘સેબી’એ એવો દાવો કર્યો છે કે તેણે એનએસઈના ભૂતપૂર્વ વડાઓ વિરુદ્ધ સમયસર કાર્યવાહી કરી હતી, જ્યારે સીબીઆઇની તપાસમાં જણાઈ આવ્યું છે કે ‘સેબી’એ અનેક વખત આ કેસમાં ત્રુટિઓ રાખી છે.

સીબીઆઇનાં સૂત્રોએ જણાવ્યા અનુસાર ‘સેબી’ને એનએસઈના ભૂતપૂર્વ એમડી-સીઈઓ અને કોઈ યોગી વચ્ચે ઇમેઇલ દ્વારા સંદેશવ્યવહાર થયાની 2016માં જાણ થઈ હતી, પરંતુ તેણે આ સંદેશવ્યવહાર વિશે તપાસ કરાવવા કેન્દ્રીય ભ્રષ્ટાચારવિરોધી એજન્સીને જાણ કરી ન હતી.

‘સેબી’ના દાવાથી વિપરીત, સીબીઆઇનાં સૂત્રો કહે છે કે સીબીઆઇને છેક 2019માં દસ્તાવેજો આપવામાં આવ્યા હતા અને એ વખતે પણ ઈમેઇલ સંદેશવ્યવહાર અને અર્ન્સ્ટ એન્ડ યંગે કરેલી તપાસનાં તારણો વિશે જાણ કરવામાં આવી ન હતી. આ તપાસ 2018માં પૂરી થયા બાદ પછીના વર્ષે સીબીઆઇને દસ્તાવેજો સુપરત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ઈમેઇલની નકલો હજી આ ફેબ્રુઆરી મહિનામાં જ આપવામાં આવી છે.

નોંધનીય છે કે ‘સેબી’એ ચિત્રા રામકૃષ્ણ, એનએસઈના ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યન, ભૂતપૂર્વ એમડી-સીઈઓ રવિ નારાયણ, વગેરે સામેનો આદેશ ગત 11મી ફેબ્રુઆરીના રોજ જાહેર કર્યો હતો.

સીબીઆઇનું કહેવું છે કે એક્સચેન્જને લગતી મહત્ત્વપૂર્ણ માહિતી ગેરકાનૂની રીતે ત્રીજી વ્યક્તિને આપવામાં આવી હોવા વિશે ઓડિટના અહેવાલમાં ગંભીર નોંધ કરવામાં આવી હતી. આમ છતાં ‘સેબી’એ સમયસર પગલાં લીધાં નહીં. ‘સેબી’એ ધાર્યું હોત તો આ કેસમાં તપાસ કરવા માટે સીબીઆઇને વિનંતી કરી શકાઈ હોત.

સીબીઆઇએ 2018માં કેસ નોંધ્યો હતો, છતાં એને ઈમેઇલની નકલો આ વર્ષે ફેબ્રુઆરીમાં આપવામાં આવી એ દર્શાવે છે કે નિયમનકાર સંસ્થા ‘સેબી’ પોતાની જવાબદારી ચૂકી ગઈ હતી.