પ્રતાપગઢઃ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં એક રોડ દુર્ઘટનામાં કેટલાય લોકોનાં મોત થયાં છે. પ્રતાપગઢમાં લગ્ન સમારોહથી પરત ફરી રહેલી SUV અને ટ્રકની વચ્ચે ટક્કરમાં 14 લોકોનાં મોત થયાં છે. આ મૃતકોમાં છ બાળકો પણ સામેલ છે. આ દુર્ઘટના આશરે 11.45 કલાકે પ્રયાગરાજ-લખનઉ હાઇવે પર દેશરાજ ઇનારા ગામની પાસે થઈ હતી. આમાં SUV સવાર બધાં લોકોનાં મોત થયાં છે. એની સાથે અન્ય કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા છે.
આ રોડ દુર્ઘટનામાં મહિન્દ્રા બોલેરો કારે રસ્તા પર ઊભેલી ટ્રકમાં પાછળથી ટક્કર મારી હતી. જેથી ગાડીની આગળનો હિસ્સો ટ્રકના પાછલા હિસ્સામાં બહુ ખરાબ રીતે ફસાઈ ગયો હતો. પ્રતાપગઢના પોલીસ અધિકારી અનુરાગ આર્યએ કહ્યું હતું કે પંચર પડવાને કારણે ટ્રક રસ્તાની એક બાજુ ઊભી હતી, ત્યારે SUVએ પાછળથી ટક્કર મારી હતી. પોલીસ અધિકારીઓ ટ્રકમાં ફસાયેલા કારના અડધા હિસ્સાને પછીથી બહાર કાઢ્યો હતો. બધા પીડિત એક લગ્ન સમારોહમાં સામેલ થઈને પોતાના ગામ કુંડા પરત જઈ રહ્યા હતા. પીડિતોના પરિવારને દરેક સંભવિત મદદ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. આ દુર્ઘટનામાં મૃત બાળકોની ઉંમર સાતથી 15 વર્ષની વચ્ચે છે, જ્યારે અન્ય આઠ લોકોની ઉંમર 20થી 60 વર્ષની વચ્ચે છે.
ઉત્તર પ્રદેશના જિરગાનિવાસી સંતલાલ યાદવના પુત્ર સુનીલ યાદવનાં લગ્ન હતાં. જાન નવાબગંજ થાણા ક્ષેત્રના શેખપુરમાં ગઈ હતી અને ત્યાંથી પરત ફરતી વખતે આ દુર્ઘટના બની હતી.