કોરોનાના કેસોની સંખ્યા 90 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 90 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 45,882 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 584 લોકોનાં મોત થયાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 90,04,365 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,32,162  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 84,28,409 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,43,794એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.60 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.46 ટકા થયો છે.

અમદાવાદમાં 100 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન

અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં કોરોનાના કેસ વધતા માઇક્રો કન્ટેનમેન્ટ અને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા. બોડકદેવમાં કોરોનાના કેસમાં અતિશય વધારો થતા બોડકદેવની સોસાયટીઓને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી છે. બોડકદેવ વિસ્તારની 30થી 45 ફ્લેટની દરેક સ્કીમમાં 10થી 15 પોઝિટિવ કેસ આવતા ફફડાટ ફેલાયો છે. કોરોનાનો પ્રકોપ વધતા અમદાવાદ શહેરમાં શુક્રવાર રાતના 9 વાગ્યાથી સોમવારે સવારના 6 કલાક સુધી સળંગ 57 કલાકનો કરફ્યુ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.