લોકસભા ચૂંટણી: ત્રીજા ચરણ માટેના પ્રચારકાર્યનો અંત આવ્યો; 23 એપ્રિલે છે મતદાન

નવી દિલ્હી – સાત ચરણવાળી લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણ માટેનું મતદાન 23 એપ્રિલે યોજાવાનું છે. ગુજરાત રાજ્યમાં પણ એ જ દિવસે મતદાન થવાનું છે. ત્રીજા રાઉન્ડ માટેના પ્રચારકાર્યનો આજે સાંજે પાંચ વાગ્યે અંત ગયો છે.

મંગળવારે, ત્રીજા રાઉન્ડ માટે ગુજરાત સહિત 13 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 116 મતદાન થશે.

ત્રીજા રાઉન્ડના મતદાન માટેના રાજ્યો છેઃ ગુજરાત, આસામ, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કેરળ, મધ્ય પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, દિલ્હી તથા કેન્દ્રશાસિત પ્રદેશો – ચંડીગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ.

આજે સાંજે ચૂંટણી રેલીઓ સાથેના પ્રચારકાર્યનો અંત આવી ગયા બાદ ઉમેદવારો ઘેર-ઘેર ફરીને પ્રચાર કરશે.

ભાજપના સિનિયર નેતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભા કરી હતી.

ભાજપપ્રમુખ અમિત શાહે ગઈ કાલે કર્ણાટકમાં રેલી યોજી હતી.

કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી છત્તીસગઢ અને બિહાર રાજ્યોમાં ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે. એમણે છત્તીસગઢના બિલાસપુરમાં કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો ગરીબી પર સર્જિકલ સ્ટ્રાઈક કરશે.

કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ કેરળના વાયનાડમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. આ મતવિસ્તારમાં એમનાં ભાઈ રાહુલ ગાંધી ઉમેદવાર તરીકે ઊભાં છે.

ત્રીજા ચરણમાં, ગુજરાતમાં તમામ 26 બેઠકો પર મતદાન થશે.

કેરળમાં 20, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 14-14, ઉત્તર પ્રદેશમાં 10, છત્તીસગઢમાં 7, ઓડિશામાં 6, બિહાર અને પશ્ચિમ બંગાળમાં પાંચ-પાંચ, આસામમાં ચાર, ગોવામાં બે, જમ્મુ અને કશ્મીર, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ તથા ત્રિપુરામાં એક-એક બેઠક માટે મતદાન થશે.

ગુજરાતમાં, વિધાનસભાની ચાર બેઠક માટે પેટા-ચૂંટણી પણ મંગળવારે જ થવાની છે. રાજ્યમાં આશરે 4 કરોડ 47 લાખ મતદારો છે. એમાં બે કરોડ 14 લાખ મહિલાઓ છે.

11 એપ્રિલે પહેલા રાઉન્ડ વખતે 20 રાજ્યોના 91 મતવિસ્તારમાં 69.45 ટકા મતદાન થયું હતું. 18 એપ્રિલે બીજા રાઉન્ડ વખતે 11 રાજ્યો અને પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશમાં સરેરાશ 69.43 ટકા મતદાન થયું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]