નવી દિલ્હી – લોકશાહીના ઉત્સવ સમાન લોકસભા ચૂંટણીની આ વખતની – 17મી આવૃત્તિ માટે સાતમાંના પહેલા રાઉન્ડ માટે પ્રચારકાર્યનો આજે સાંજે અંત આવી જશે. 11 એપ્રિલે પહેલા રાઉન્ડનું મતદાન છે.
આ પહેલા રાઉન્ડમાં 20 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોનાં 91 મતવિસ્તારોમાં ગુરુવારે મતદાન યોજાશે.
સાથોસાથ, આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરૂણાચલ પ્રદેશ અને સિક્કીમ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે પણ મતદાન યોજાશે.
પહેલા રાઉન્ડમાં જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થવાનું છે એના નામ છેઃ મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કીમ, આંદામાન અને નિકોબાર, લક્ષદ્વીપ, તેલંગણા, ઉત્તરાખંડ, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કશ્મીર, મણીપુર, ઓડિશા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ.
આ મતવિસ્તારોમાં આજે ચૂંટણીપ્રચારનો આખરી દિવસ હોઈ તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે કોઈ કચાશ બાકી નહીં રાખે.
કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી આસામ, બિહાર અને ઓડિશામાં ચૂંટણી સભાઓને સંબોધિત કરવાના છે તો ભાજપના પોસ્ટરબોય અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર, તામિલનાડુ અને કર્ણાટકમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરવાના છે.
મહારાષ્ટ્રના લાતુરમાં, વડા પ્રધાન મોદી સાથે સત્તામાં ભાગીદાર શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ જોડાશે.
CVOTER-IANS દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણ પરથી માલુમ પડ્યું છે કે અડધા ભાગના મતદારો વડા પ્રધાન મોદીના પરફોર્મન્સથી સંતુષ્ટ છે. પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને ત્યાં સક્રિય ત્રાસવાદી શિબિરોનો ભારતીય હવાઈ દળના યુદ્ધવિમાનોએ નાશ કર્યા બાદ વડા પ્રધાનની લોકપ્રિયતા અને એમના પરફોર્મન્સ વિશે સંતોષના સ્તરમાં ઉછાળો આવ્યો હતો.
લોકસભા ચૂંટણીના બાકીના છ રાઉન્ડ 18 એપ્રિલ, 23 એપ્રિલ, 29 એપ્રિલ, 6 મે, 12 મે અને 19 મેએ યોજાશે. મતગણતરી અને પરિણામ માટે 23 મે તારીખ છે.