કેન્દ્રીય બજેટ-2024: જીએસટી વસૂલીથી કમાણી વધારવાની તૈયારી

નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટ-2024 સંસદમાં રજૂ થવાની તારીખ નજીક આવી રહી છે. એ વિશે અનેક પ્રકારના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે, પણ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સ્પષ્ટ કહી દીધું છે કે ફેબ્રુઆરી-1ના બજેટમાં કોઈ  આકર્ષક જાહેરાતો કરવામાં નહીં આવે.

તે છતાં સરકાર અર્થતંત્ર, ટેક્સ વસૂલી, નાણાકીય ખાધને ઘટાડવા સંબંધિત જાહેરાતો કરે એવી શક્યતા છે. દેશની અર્થવ્યવસ્થાને વધારે તંદુરસ્ત બનાવવા માટેના ઉપાયો જાહેર કરે એવી ધારણા છે. તે એવા ઉપાયો કરશે જેથી સરકારની આવક વધે. ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ)થી ઘણી સારી વસૂલી થઈ છે. સરકાર પાસે ઘણા નાણાં આવ્યા છે. હવે આ નાણાં તે સામાજિક યોજનાઓના અમલમાં વાપરી શકશે. સરકાર નવા નાણાકીય વર્ષમાં જીએસટી કલેક્શનનો ટાર્ગેટ વધારે એવી ધારણા છે. નવા ટાર્ગેટમાં પાછલા વર્ષ કરતાં 14-15 ટકા વૃદ્ધિ કરી શકે છે. મતલબ, આવતા નાણાકીય વર્ષમાં સરકારને દર મહિને જીએસટી વસૂલીથી રૂ. 1.80થી લઈને 1.90 લાખ કરોડ મળી શકે છે. નવેમ્બરમાં જીએસટી કલેક્શન રૂ. 1.67 લાખ કરોડ થયું હતું. ઓક્ટોબરમાં 1.72 લાખ કરોડ હતું.