નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય ગરમાવો વધતો જાય છે. બેંગલુરુમાં વિરોધ પક્ષની બેઠકમાં નક્કી થયેલા ગઠબંધનના ના INDIA એટલે ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્કલુસિવ એલાયન્સ થશે. કેન્દ્ર સરકારના નેતાઓ પણ આ નવા નામ પર નિશાન સાધી રહ્યા છે, પણ હવે ભાજપના નેતાઓ વિપક્ષી ગઠબંધનને INDIA નામથી નહીં બોલાવે. પાર્ટીએ નક્કી કર્યું છે કે વિપક્ષી ગઠબંધનને UPAના જૂના નામથી બોલાવવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ભાજપનાં સૂત્રોના જણાવ્યા મુજબ વિપક્ષે જાણીબૂજીને INDIA નામ રાખ્યું છે, જેથી જૂનાં કારસ્તાનો પર પડદો પાડી શકાય અને જનતાના મનમાંથી UPAની છબિને ભૂંસી શકાય, પરંતુ ભાજપ જનતાને કોંગ્રેસ પર લાગેલા આરોપો વિશે જણાવતો રહેશે. એટલે વિપક્ષને UPAના નામથી બોલાવવામાં આવશે. નાણાપ્રધાન નિર્ણલા સીતારામને પણ મણિપુર મુદ્દે હુમલો કરતાં વારંવાર UPA શબ્દનો જ ઉપયોગ કર્યો હતો.સત્તાધારી પાર્ટી ભાજપે પ્રવક્તાઓ માટે નક્કી કર્યું છે કે એ વિપક્ષી ગઠબંધન INDIA માટે UPA શબ્દનો જ ઉપયોગ કરશે. ભાજપ ટીવી ડિબેટ હોય કે પત્રકાર પરિષદ હોય –ભાજપ UPAના નામે સંબોધશે. ભાજપનું માનવું છે કે વિપક્ષ ઇચ્છે છે કે એને INDIA ગઠબંધન કહેવામાં આવે, પરંતુ પાર્ટી એના ટ્રેપમાં નહીં ફસાય.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે વિપક્ષે સમજીવિચારીને ગઠબંધનનું નામ INDIA નામ આપ્યું છે, કેમ કે કેન્દ્રની મોદી સરકારની મહત્તમ યોજનાઓમાં ઇન્ડિયા શબ્દ જોડાયેલો છે, જેમાં ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા.. વગેરે..વગેરે… જેથી ભાજપને ગઠબંધન પર ટીકા કરવામાં મુશ્કેલીઓ પડી શકે છે.