ભાજપે જેડી(એસ)ના દરેક વિધાનસભ્યને રૂ. 100-100 કરોડની ઓફર કરી છેઃ કુમારસ્વામી

બેંગલુરુ – જનતા દળ (સેક્યૂલર) પાર્ટીએ એચ.ડી. કુમારસ્વામીને આજે અહીં વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢ્યા બાદ કુમારસ્વામીએ પત્રકાર પરિષદ બોલાવી હતી અને એવો આક્ષેપ કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી કાળા નાણાંનો ઉપયોગ કરી રહી છે. કુમારસ્વામીએ ભાજપને ચેતવણી આપી છે કે તે વિધાનસભ્યોની સોદાબાજીની પ્રવૃત્તિથી દૂર રહે.

કુમારસ્વામીએ કહ્યું છે કે ભાજપે જેડીએસના દરેક વિધાનસભ્યને રૂ. 100 કરોડની ઓફર કરી છે. એમની પાસે આટલું બધું કાળું નાણું ક્યાંથી આવ્યું? એ લોકો એક તરફ ગરીબ લોકોની સેવા કરવાની વાતો કરે છે અને બીજી બાજુ, આજે કાળા નાણાંની ઓફર કરે છે. ક્યાં ગયા પેલા ઈન્કમ ટેક્સ અધિકારીઓ?

જેડીએસ-કોંગ્રેસ ગઠબંધને કુમારસ્વામીનું નામ કર્ણાટકના નવા મુખ્ય પ્રધાન તરીકે ઘોષિત કરી દીધું છે. કુમારસ્વામીએ કહ્યું કે જો ભાજપ બહુમતી હાંસલ કરવા માટે એના ‘ઓપરેશન કમલ’ને લાગુ કરવાનો પ્રયત્ન કરશે તો એને પરિણામો ભોગવવા પડશે.

હું ભાજપને ચેતવણી આપું છું કે જો એ ‘ઓપરેશન કમલ’ને કામે લગાડવાનો પ્રયત્ન કરશે તો એ બધું એને જ ભારે પડશે. અમારામાં એનાથી બમણી તાકાત છે.

કુમારસ્વામીએ ‘ઓપરેશન કમલ’નો જે ઉલ્લેખ કર્યો છે એ 2008માં કર્ણાટક વિધાનસભા ચૂંટણી વખતનો છે. એ વખતે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો હતો, પરંતુ સ્પષ્ટ બહુમતી મેળવી શક્યો નહોતો. એ વખતે ભાજપે જેડીએસના 4 અને કોંગ્રેસના 3 વિધાનસભ્યોનું પક્ષાંતર કરાવ્યું હતું અને રાજ્યમાં સરકાર રચવામાં સફળ થયો હતો. જે લોકોએ એમના પક્ષમાંથી પક્ષાંતર કર્યું હતું એમને ઊંચા વળતર, ચૂંટણીમાં ફરી જીત તથા સરકારી સંસ્થાઓમાં મહત્વના હોદ્દાઓ પર નિમણૂકના વચન આપવામાં આવ્યા હતા.

કુમારસ્વામીનું કહેવું છે કે હાલ કોંગ્રેસ અને જેડીએસના જોડાણ પાસે 116 વિધાનસભ્યો છે અને એની પાસે સ્પષ્ટ બહુમતી છે. ભાજપ પાસે આટલા સભ્યો નથી તો એ કઈ રીતે સરકાર રચવાનો દાવો કરી શકે?

કુમારસ્વામીએ આજે ભારપૂર્વક કહ્યું છે કે અમે કોઈ પણ સંજોગોમાં ભાજપ સાથે જોડાણ નહીં કરીએ, કારણ કે એ પાર્ટીએ 2008માં ‘ઓપરેશન કમલ’ને કામે લગાડીને મારા પિતા એચ.ડી. દેવગોવડાનું અપમાન કર્યું હતું. 2004 અને 2005માં ભાજપને સાથ આપવાના મારા નિર્ણયને કારણે મારા પિતાની કારકિર્દી પર કાળો ડાઘ લાગ્યો છે. એ ડાઘને દૂર કરવાની ઈશ્વરે મને તક આપી છે. એટલે જ હું અત્યારે કોંગ્રેસની સાથે છું.