લગ્નસંબંધની સફળતાઃ આધુનિકતા સાથે વફાદારી

લાઇફ ઇઝ નોટ ફેર ઓલવેયઝ. આ વાત આપણે બધાંએ ક્યારેકને ક્યારેક અનુભવી હશે. કોઇ ઝઘડો થયો, કોઇ નુકસાન થયું, કોઇ આપ્તજનને ગુમાવ્યાં. ડગલેને પગલે નજીકના સંબંધોની અકળામણ. ક્યારેક થાય કે જો લાઇફ પણ મેન્યુઅલ સાથે આવતી હોય તો? જ્યાં અટવાયાx, કે મેન્યુઅલમાં જોઇને સમાધાન કરી લેવાય. ખેર, લાઇફનું કોઇ ઇન્સટ્રક્શન મેન્યુઅલ નથી. એટલે જ લાઇફ ઇઝ નોટ ફેર ઓલવેયઝ એવું લાગે. સૌથી અઘરુ હોય છે જીવનમાં સંબંધોને સાચવવાનું. તેને નિભાવવાનુ. જો એ આવડી જાય તો પછી આપણે કહીએ કે લાઇફ ઇઝ બ્યૂટિફૂલ.આ સંબંઘો પૈકીનો મહત્વનો સંબંધ એટલે લગ્ન સંબંધ. આમ તો બધા સંબંધ મહત્વના જ હોય, પણ એ સંબંધો લોહીના હોય, જન્મજાત હોય, કેટલાક સંબંધ એવા પણ હોય  જે સમયની સાથે આત્મીયતા કેળવીને બન્યા હોય. પણ લગ્ન સંબંધ અલગ છે, કારણ તેમાં બે જુદીજુદી હસ્તી જે એકસાથે જીવન જીવવાનો નિર્ધાર કરે છે. સાથ પણ ગમે તેવો નહીં. પૂરી જિંદગીનો. બે વ્યક્તિનો જ નહીં, બે પરિવારની જવાબદારીઓનો મિલાપ થાય છે. હવે વિચારો જો આ લગ્નસંબંધમાં તમે અકળાવા લાગો તો… આવી બને, આખું જીવન વેરવિખેર થઇ જાય. પણ અંદરની વાત એ છે કે, તમારાં જ હાથમાં છે તમારું લગ્ન જીવન. તમે ઇચ્છો તો આ સંબંધ બંધન પણ બની શકે, અને તમે ઇચ્છો તો એ તમારી પાંખો બનીને તમને બંધનમાંથી મુક્ત પણ કરી શકે.

સંબંધોને સાચવવા માટે આમતેમ ફાંફા મારવાની જરુર નથી. આપણાં ઘરમાં આપણાં જ વડીલો, માતાપિતાથી આપણને એ શીખ મળી જાય છે. બસ જરૂર છે આપણે નીરખવાની. કેવી રીતે આપણાં વડીલ પરિવારમાં બધાનું ધ્યાન રાખે છે. તેમની જરૂરતોને પારખીને પૂરી કરે છે. કેવી રીતે એકબીજા સાથે વાત કરીને તેમના હૃદયનો ભાર હળવો કરે છે. આ જ બધી વાતો છે જેનાથી આપણે પણ સારું જીવન જીવતાં શીખી શકીએ છીએ.  સંબંધોને સાચવીને તેમાં રહેલી આત્મીયતા, પ્રેમ અનુભવી શકીએ. અને સાથે જ પોતાાના અસ્તિત્વના અહેસાસને ખીલવી શકીએ. તમારી જરૂરત કોઇક ને તો છે જ એ અનુભવે મન મહોરી ઉઠે છે.આજના સમયમાં જો તમે નજર દોડાવશો તો લગ્ન બાદ છૂટાછે઼ડાના મહત્તમ કિસ્સા જોવા મળી જશે. ક્યારેય વિચાર્યુ છે કે પહેલાંના સમયમાં તો છૂટાછેડાનું ચલણ આટલુ સામાન્ય ન હતું, તો હવે શું થયુ? શા માટે લગ્ન સંબંધની સફળતા હોડમાં લાગી છે. આનુ કારણ છે આજની પેઢીની વિચારધારા. અહીં આજની પેઢીની કહેવુ જરુરી બની જાય છે કારણ કે આપણે જનરેશન ગેપના નામે વડીલોની કેટલીય શીખને કાને ધરી નથી. આપણામાં ધીરજ, ઉદારતા એવા ગુણ છે ખરાં?. લગ્ન સંબંધમાં આવા જ ગુણો કામ લાગે છે. કોઇ વ્યક્તિ પરફેક્ટ નથી હોતું એ આપણે જાણીએ, પણ જ્યારે ખરો સમય આવે ત્યારે એ સમજીએ છીએ ખરા? ના, બીજા માટે ભલે બ્રોડમાઇંડેડ બનીએ, પણ જ્યારે ઘરના સદસ્યનો વારો આવે ત્યારે અપેક્ષાઓની સામે બૃહદ દ્રષ્ટિકોણ પણ ટૂંકો પડી જાય. આવા સમયે આપણે જો એ વિચારીએ કે આ સ્થિતિમાં આપણા માતાપિતાએ શું કર્યુ હોય. જવાબ સરળ જ છે, ક્યારેક બેમાંથી એકે ધીરજ ધરી હોય, તો ક્યારેક સંજોગો સાથે સમાધાન કર્યુ હોય. પણ, જો આજે કોઇ આવું કરે તો તેને ઓર્થોડોક્સ ગણી લેવામાં આવે. ટીપીકલ પીપલ કહીને તેમની હાંસી ઉ઼ડાવવામાં આવે. પણ આ હાંસી ઉડાવનાર શું ખરેખર મોર્ડન કહેવાય!

દરેક જનરેશન અપડેટેડ જનરેશન હોય છે. એટલે આપણે આ ઓર્થોડોક્સ કે ટિપિકલ વાતોમાં નવો ફ્લેવર ઉમેરી શકીએ. મોર્ડનિટીમાં જો મોડેસ્ટી મળે તો… મજા પડે. ધીરજ રાખવાના અને જરુર પડ્યે સમાધાન કરવાના ગુણની સાથે જો એક બીજાને થોડી સ્પેસ આપીએ, એકબીજાને થોડો સપોર્ટ આપીએ તો આકાશ દૂર નથી. લગ્નમાં કદાચ પ્રેમ ન હોય, પણ જો અપેક્ષાઓ પ્રત્યે સતર્કતા, જવાબદારીની સભાનતા અને એક બીજા પ્રત્યે સમજ કેળવશો તો પ્રેમ પણ પાંગરી જ જશે. એટલે જ તો કહ્યુ કે મોર્ડનિટીમાં મોડેસ્ટી મળશે તો પછી તો મજ્જાની લાઇફ બની જશે.