ફરજિયાત ગુજરાતીઃ પરિપત્ર બહાર પડ્યો, આ રીતે કરાશે અમલ

ગાંધીનગર- અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ 1-2માં ગુજરાતી વિષય ફરજિયાત કરવાની પહેલાં કરાયેલી જાહેરાત બાદ આજે તે માટે સરકાર દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. શિક્ષણવિભાગ દ્વારા બહાર પડાયેલાં પરિપત્રમાં જણાવ્યાં મુજબ આગામી શૈક્ષણિક સત્ર જૂન 2018થી  ગુજરાતી ભણાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે અંગ્રેજી માધ્યમની સીબીએસઇ બોર્ડ સહિતની ગુજરાત બોર્ડ સિવાયની શાળાઓ ગુજરાતી ભણાવવા ઇચ્છુક નથી ત્યારે આ પરિપત્ર વિવાદ સર્જી શકે છે. ગુજરાતમાં અંગ્રેજી માધ્યમોમાં ભણતાં વિદ્યાર્થીઓ માતૃભાષામાં ખૂબ જ નબળાં રહે છે તેવી વારંવારની રજૂઆતો બાદ થોડા સમય પહેલાં સરકારે ગુજરાતી ફરજિયાત કરવાનું જાહેર કર્યું હતું જેને અમલ કરવાની કાર્યવાહી શરુ થઇ છે.

ગુજરાત બોર્ડે મંજૂરી આપી હોય તેવી અંગ્રેજી માધ્યમની શાળાઓએ આગામી સત્રથી અને રાજ્યમાં ચાલતી અન્ય બોર્ડની શાળાઓને કમ સે કમ દીવાળી પછીના વેકેશન હાદ શરુ થતાં સત્રથી  ધોરણ 1 અને ધોરણ 2માં ફરજિયાત ગુજરાતી વિષય ભણાવવાનો રહેશે. તેમ જ ગુજરાત શૈક્ષણિક સંશોધન પરિષદ દ્વારા અભ્યાસક્રમ આધારિત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલા પુસ્તકોનો જ ઉપયોગ કરવાનો રહેશે.

ધોરણ 1-2ના વિદ્યાર્થીઓ આગળ ધોરણ 8 સુધી પહોંચે ત્યાં સુધી ગુજરાતી વિષય ફરજિયાત કરવામાં આવ્યો છે. હિન્દી ભાષી વિદ્યાર્થીઓને પણ ગુજરાતી વિષય શીખવવામાં આવશે.