છત્તીસગઢમાં માઓવાદીઓના હુમલામાં ભાજપના વિધાનસભ્ય, અન્ય 4 જણનાં મરણ

દંતેવાડા (છત્તીસગઢ) – છત્તીસગઢ રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે મતદાનને આડે માંડ 36 કલાક જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે માઓવાદી નક્સલવાદીઓએ આજે મોટો હુમલો કરતાં ભારતીય જનતા પાર્ટીના એક વિધાનસભ્ય ભીમા મંડાવી, એમના ડ્રાઈવર તથા ત્રણ સુરક્ષા જવાનનું મરણ થયું છે. ત્રણેય સુરક્ષા જવાન મંડાવીના અંગત સુરક્ષા અધિકારીઓ હતા.

આ સુરંગ ધડાકાનો હુમલો દંતેવાડા જિલ્લાના કુઆકોંતા અને સ્યામગીરી વિસ્તારોની વચ્ચે જંગલમાં કરવામાં આવ્યો હતો. તે એક ઈમ્પ્રુવાઈઝધ્ડ એક્સપ્લોઝિવ ડીવાઈસ (આઈઈડી) વિસ્ફોટ હતો. રાજ્યના પોલીસ જવાનોના રક્ષક વાહનને ટાર્ગેટ બનાવીને તે વિસ્ફોટ કરાયો હતો. આઈઈડી બોમ્બને રસ્તામાં બિછાવવામાં આવ્યો હતો. પોલીસ વાહન જેવું પસાર થયું કે ધડાકો થયો હતો.

ભાજપના વિધાનસભ્ય ભીમા મંડાવી

ટોચના રાજ્ય પોલીસ અધિકારીઓ તેમજ અર્ધલશ્કરી દળ સીઆરપીએફના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મૃત્યુ પામેલા ભાજપના નેતા ભીમા મંડાવી બસ્તર વિસ્તારના વિધાનસભ્ય હતા અને એક ચૂંટણી સભાને સંબોધિત કરવા માટે જતા હતા.

દંતેવાડા નક્સલવાદગ્રસ્ત વિસ્તાર છે. ત્યાં માઓવાદી નક્સલવાદીઓ વારંવાર સામાન્ય લોકો તથા નેતાઓને ટાર્ગેટ બનાવે છે. ખાસ કરીને ચૂંટણી આવતી હોય ત્યારે આવા હુમલાઓ તેઓ વધારી દે છે.

બસ્તર વિસ્તારમાં 11 એપ્રિલે અને દંતેવાડામાં 18 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે.

છત્તીસગઢ રાજ્યમાં ભાજપના 15 વર્ષના શાસનનો અંત લાવી ગયા ડિસેંબરમાં સત્તા હાંસલ કરી તે પછી આ રાજ્યમાં આ પહેલો માઓવાદી હુમલો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]