મુંબઈઃ મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ મામલે ભલે સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્રને જામીન મળી ગયા હોય, પણ આ કેસમાં મહારાષ્ટ્રના પ્રધાન અને NCPના નેતા નવાબ મલિક નિવેદનોને લઈને સતત વિવાદોમાં છે. હવે નવાબ મલિક પર ભારતીય જનતા યુવા મોરચાના ભૂતપૂર્વ અધ્યક્ષ મોહિત કંબોજે રૂ. 100 કરોડનો માનહાનિનો કેસ કર્યો છે.
નવાબ મલિક સતત ભાજપ નેતા મોહિત કંબોજ અને તેમના પરિવાર પર ગંભીર આરોપ લગાડી રહ્યા છે. મુંબઈ ડ્રગ્સ કેસમાં તેમના પરિવારનું કનેક્શન દેખાઈ રહ્યું છે. જેથી નવ ઓક્ટોબરે મોહિતે મલિકને નામે એક નોટિસ મોકલી હતી. આ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે પુરાવા વગર માનહાનિકારક નિવેદન આપવું એ ખોટું છે. આ નોટિસ પછી નવાબ મલિકે 11 ઓક્ટોબરે ફરી તેમના પરિવાર સામે નિશાન સાધ્યું હતું.
હવે ભાજપના નેતાએ નવાબ મલિકે સતત કરેલાં નિવેદનો પર પગલાં લેતાં મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરી દીધી છે. એ સિવાય હાઇકોર્ટમાં નવાબ મલિક પર રૂ. 100 કરોડનો માનહાનિનો કેસ પણ કરી દીધો છે.
બોમ્બે હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં મોહિતે જણાવ્યું હતું કે તેઓ ભાજપના સભ્ય છે અને તેમનો એક બિઝનેસ પણ છે, પણ નવાબ મલિક દ્વારા પુરાવા વગર બેફામ નિવેદનોથી તેમની શાખને નુકસાન પહોંચ્યું છે. મુંબઈ ડ્રગ્સ કેસમાં નવાબ મલિકે કહ્યું હતું કે આઠને બદલે 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પણ જ્યારે ભાજપના નેતાનો ફોન આવ્યો, ત્યારે ત્રણ લોકોને છોડી મૂકવામાં આવ્યા હતા. મલિકે ત્યાં સુધી દાવો કર્યો હતો કે છોડવામાં આવેલા લોકોમાં મોહિતનો સાળો પણ સામેલ છે. મોહિત મલિકના નિવેદનોથી ભડકી ગયા હતા અને તેમને માનહાનિનો કેસ કર્યો હતો.