ભાજપે સૂર બદલ્યોઃ અજીત પવારનો સાથ લેવાની જરૂર નહોતી….

મુંબઈઃ અજીત પવારના સહારે મહારાષ્ટ્રની સત્તા પર બીજીવાર બેસવાના પ્રયત્નો કરનારી ભાજપને મોટો ઝાટકો લાગ્યો છે. દેવેન્દ્ર ફડણવીસને જ્યાં રાજીનામું આપવું પડ્યું, તો અજીત પવારને એનસીપી ચીફ શરદ પવાર કથિત રીતે માફ કરી ચૂક્યા છે. અજીતે કહ્યું છે કે તેમના શિવસેના-કોંગ્રેસ-એનસીપી મંત્રીમંડળમાં શામિલ થવા પર નિર્ણય ઉદ્ધવ ઠાકરે કરશે. અજીત પવાર સાથે જવાનો નિર્ણય નિશ્ચિત રીતે ભાજપના હાઈકમાન્ડની સહમતિ સાથે લેવામાં આવ્યો હશે.

ભાજપના સીનિયર નેતા અજીત એકનાથ ખડસેએ કહ્યું કે, મારી સલાહ છે કે ભાજપને અજીત દાદા પવારનું સમર્થન નહોતું લેવું જોઈતું. તેઓ એક મોટા સિંચાઈ ગોટાળાના આરોપી છે અને તેમના પર ઘણા આરોપો છે. આના કારણે આપણે તેમની સાથે ગઠબંધન નહોતું કરવું જોઈતું. શું અજિત પવાર સાથે હાથ મિલાવવો કોઈ ભૂલ હતી? આ પ્રશ્ન પૂછવા પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, તેઓ યોગ્ય સમયે આ વાતનો જવાબ આપશે.

તો એનસીપી નેતા અજિત પવારે કહ્યું કે, તેઓ પોતાની પાર્ટીમાં બન્યા રહેશે અને તેમને મંત્રીમંડળમાં શામિલ કરવાનો નિર્ણય ઉદ્ધવ ઠાકરે કરશે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ગત સપ્તાહે ભાજપને સમર્થન આપનારા અજિત પવારે કહ્યું કે તેમના એનસીપીમાં રહેવા મામલે ભ્રમ પેદા કરવાનું કોઈ કારણ નથી. અજિત પવારે કહ્યું કે, અત્યારે મારી પાસે કહેવા માટે કશું નથી, હું યોગ્ય સમય આવશે ત્યારે બોલીશ. મેં પહેલા પણ કહ્યું હતું કે હું એનસીપીમાં જ છું અને એનસીપીમાં જ રહીશ.

તેમણે કહ્યું કે, હું કોઈનાથી પણ નાખુશ નથી. મારી પાર્ટી મને જે જવાબદારી આપશે, હું તેનો સ્વિકાર કરીશ. આ વચ્ચે એનસીપી ધારાસભ્ય રોહિત પવારે કહ્યું કે મને ભરોસો હતો કે અજીત પવાર પાર્ટીમાં પાછા આવી જશે અને મને ખુશી છે કે અજિત પવારે પાર્ટી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી.