હવે આ મંદિરનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યોઃ આઇઆઇટી કેમ્પસમાં છે મંદિર

નવીદિલ્હીઃ આઈઆઈટી ગુવાહાટી કેમ્પસમાં એક મંદિરને લઈને સંસ્થાના વહીવટ અને ત્યાંના એક શિક્ષક વચ્ચે મુકાબલો જામ્યો છે. સહાયક પ્રોફેસર બ્રિજેશ રાયે આક્ષેપ કર્યો છે કે મંદિરનું બાંધકામ ચાર વર્ષ પહેલાં સંસ્થાની પરવાનગી વિના કરવામાં આવ્યું છે. જેની સામે આઈઆઈટી ગુવાહાટી વહીવટકર્તાઓએ કહ્યું છે કે ત્યાંનું મંદિર ‘અનંત કાળથી’ છે. રાયે આ કેસમાં ગુવાહાટી હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે.

રાયે દાવો કર્યો છે કે 2015 સુધીમાં તે ‘મંદિર’ પીપળના ઝાડ પાસે ‘પ્લેટફોર્મ’ જેવું હતું અને કેમ્પસમાં કામ કરતા મજૂરોએ ત્યાં કેટલાક દેવદેવીઓની તસવીરો રાખી હતી. રાય કહે છે કે 2015 પછી તેને કાયમી માળખું બનાવવાનું શરૂ થયું.

માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં સંસ્થાએ રાયને કહ્યું કે પ્રશાસને શિબિર મંદિર કેમ્પસમાં બનાવવામાં મદદ કરી નથી. એક સવાલ પર, સંસ્થાએ કહ્યું હતું કે ત્યાંનું મંદિર ‘આઈઆઈટી ગુવાહાટી બનાવતા પહેલાંથી’ હતું. બીજા જવાબમાં, તેમણે કહ્યું કે તે ‘અનંતકાળથી’ છે.

ગૂગલ મેપ્સ અને રાય દ્વારા ઇટીને અપાયેલી તસવીરોમાં એવું જોવા મળે છે કે છેલ્લા સાત વર્ષોમાં મંદિરની હંગામી રચનાને કોંક્રિટ બિલ્ડિંગમાં પરિવર્તિત કરવામાં આવી છે અને દરવાજા અને બારીઓ લગાવવામાં આવી છે.

રાયે કહ્યું કે, આ બાબત અને કેમ્પસમાં અન્ય ઘણા મુદ્દાઓ ઉઠાવવા બદલ તે સંસ્થાની નારાજગીનો સામનો કરી રહ્યો છે. રાયે જણાવ્યું હતું કે, તેમણે સ્ટાફની ભરતીમાં યોગ્ય કાર્યવાહી ન કરવાના મામલે બીજી પીઆઈએલ દાખલ કરી છે.

નવેમ્બર 17 ના રોજ, રાયને ટર્મિનેટ કરાશે તેવી અટકળો પર કેમ્પસના સેંકડો વિદ્યાર્થીઓએ રાયના સમર્થનમાં કેન્ડલ માર્ચ કરી હતી. આ પછી, સંસ્થાએ વિદ્યાર્થીઓને એક ઇમેઇલ મોકલાવ્યો હતો કે તેઓ માર્ચમાં શામેલ છે કે નહીં અને તે માટે કોઈ કારણ છે કે નહીં.

રાયને ડિસેમ્બર 2017માં સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. તેના પર બીજા એક પ્રોફેસરને માર મારવાનો આરોપ હતો. તેમણે આ આરોપને ખોટો ગણાવ્યો. નવેમ્બર 2018માં જ્યારે ગુહાહાટી હાઈકોર્ટે સસ્પેન્શન ગેરકાયદે જાહેર કર્યું ત્યારે તેમને ફરીથી કામ પર પરત લેવા પડ્યાં હતાં. રાયે કહ્યું, “હું મંદિરોનો વિરોધ કરતો નથી, પરંતુ પૂજા માટે વ્યક્તિગત જગ્યા હોવી જોઈએ.” રાયે કહ્યું કે કોઈ શૈક્ષણિક સંસ્થામાં ધર્મ સંબંધિત માળખું કેવી રીતે બનાવી શકાય?

આ જ સંસ્થાના અન્ય એક કેસમાં નિયમો વિરુદ્ધ ફાઇવ સ્ટાર હોટેલમાં બેઠક કરીને ‘સરકારી નાણાંનો દુરુપયોગ’ કરવા સંદર્ભે ડિરેક્ટર અને ડીન સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]