નવી દિલ્હીઃ કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટી આજે તેનો 42મો સ્થાપનાદિવસ ઉજવી રહી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે ભાજપની સફર રાષ્ટ્રીય સેવા વિશેની રહી છે. જેઓ સાત-સાત દાયકાઓથી અભાવનો સામનો કરતાં રહ્યાં હતાં તે ગરીબ લોકો, ખેડૂતો, વંચિત લોકો તથા મહિલાઓની આકાંક્ષાઓને ભાજપ પરિપૂર્ણ કરી રહ્યો છે.
અમિત શાહે પક્ષના સ્થાપનાદિવસ નિમિત્તે શ્રેણીબદ્ધ ટ્વીટ પોસ્ટ કરી છે. એમણે ભાજપને એક વટવૃક્ષ તરીકે ઓળખાવ્યું છે અને આ વૃક્ષ બનાવનાર મહાન નેતાઓને સલામ કરી છે. એમણે લખ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષપ્રમુખ જે.પી. નડ્ડાની આગેવાની હેઠળ પક્ષ જનકલ્યાણ તથા રાષ્ટ્રની પ્રગતિ માટે આગળ વધી રહ્યો છે.