કોંગ્રેસનો પુનરોદ્ધાર લોકશાહી માટે જરૂરીઃ સોનિયા ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટી માટે આગળનો માર્ગ વધારે પડકારજનક છે એની કબૂલાત કરીને પક્ષપ્રમુખ સોનિયા ગાંધીએ આજે કહ્યું કે કોંગ્રેસનો પુનરોદ્ધાર થાય એ માત્ર આપણા માટે જ નહીં, પરંતુ આપણી સમગ્ર લોકશાહી માટે પણ મહત્ત્વનો છે.

હાલની રાજકીય પરિસ્થિતિ તથા સંસદના બંને ગૃહમાં કોંગ્રેસની વ્યૂહરચના અંગે ચર્ચા કરવા માટે સોનિયા ગાંધીએ આજે સંસદભવનના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસ સંસદીય પક્ષની બેઠક બોલાવી હતી. એમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ, રાહુલ ગાંધી, લોકસભામાં કોંગ્રેસના નેતા અધિરરંજન ચૌધરી અને રાજ્યભાના નેતા મલ્લિકાર્જુન ખડગે સહિત પક્ષના લોકસભા તથા રાજ્યસભા, બંને ગૃહનાં સભ્યો હાજર રહ્યાં હતાં.

તાજેતરમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના થયેલા રકાસ બાદ સોનિયાએ કોંગ્રેસ સંસદીય પક્ષની આ પહેલી જ વાર બેઠક બોલાવી હતી. મોંઘવારી, પેટ્રોલ-ડિઝલ અને એલપીજી ગેસની કિંમતમાં વધારા સહિતના મુદ્દાઓ પર કોંગ્રેસ પાર્ટી કેન્દ્રની ભાજપ સરકારને ભીંસમાં લેવા ધારે છે.