નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ રાજ્યમાં થઈ રહેલી રાજકીય હિંસાના મામલે પગલાં લેવાની માગણી કરી છે. દિલ્હીમાં ચૂંટણી પંચ સમક્ષ ભાજપે એવી ચિંતા વ્યક્ત કરી છે કે બંગાળમાં પરિસ્થિતિ ગંભીર છે. પાર્ટીએ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, ત્યાં થઈ રહેલી રાજકીય હિંસાના મામલે ચૂંટણી પંચને બે પાનાંનો પત્ર આપ્યો છે.
ચૂંટણી પંચમાં આવેદનપત્ર નોંધાવવા ગયેલા ભાજપના પ્રતિનિધિમંડળની આગેવાની ભાજપના સંસદસભ્ય સ્વપન દાસગુપ્તા અને વિધાનસભ્ય સબ્યાસાચી દત્તાએ લીધી હતી. એમનું કહેવું છે કે બંગાળની હાલત કશ્મીર કરતા પણ ખરાબ થઈ ગઈ છે. ત્યાં વહેલી તકે સેન્ટ્રલ પોલીસ ફોર્સ (સીપીએફ)ના જવાનોને તહેનાત કરવાની જરૂર છે. પશ્ચિમ બંગાળમાં 294-બેઠકોની વિધાનસભાની ચૂંટણી 2021માં યોજવાનું નિર્ધારિત છે. 2016ની ચૂંટણીમાં જીત મેળવીને મમતા બેનરજીનાં નેતૃત્ત્વવાળી તૃણમુલ કોંગ્રેસ પાર્ટીએ પોતાની સત્તા જાળવી રાખી હતી.