ખેડૂત આંદોલનને લીધે રૂ.5000 કરોડનું આર્થિક નુકસાન

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં છેલ્લા 20 દિવસથી ખેડૂતોના ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનને કારણે રૂ. 5000 કરોડના વેપાર અને અન્ય આર્થિક કામકાજ પર ખોરવાઈ ગયાં છે, એમ કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે (CAIT) કહ્યું હતું. આ વિરોધ-પ્રદર્શનને લીધે દિલ્હીમાં આવતા અંદાજે 30થી 40 ટકા માલસામાનને તો અસર થઈ છે, ઉપરાંત વેપારી કામકાજ પર માઠી અસર પડી છે. CAITએ કૃષિ સાથે સકળાયેલા અર્થતંત્રના નેતાઓ સાથે બેઠકક યોજી હતી, જેમાં ખેડૂતોને અને સરકારને આ મુદ્દે ઉકેલ લાવવા માટે અરજ કરવામાં આવી હતી.

તેમણે કહ્યું હતું કે કૃષિ કાયદાઓએ માત્ર ખેડૂતોને અસર નથી કરી પણ સંબંધિત ક્ષેત્રો જેવાં કે ટ્રાન્સપોર્ટ, કૃષિ કોમોડિટી વેપાર, ફૂડ ગ્રેઇન, ગ્રાહકો, ફૂડ પ્રોસેસિંગ, સીડ અને પેસ્ટિસાઇડ સેક્ટર અને ફર્ટિલાઇઝરને પણ અસર કરી છે. જેથી આ કાયદાઓથી સ્ટેકહોલ્ડરોના હિતોનું પણ રક્ષણ થવું જોઈએ. ખેડૂતોને મામલે ચર્ચા-વિચાણા કરવા માટે સંયુક્ત સમિતિ બનાવવામાં આવી હતી, જેમાં ખેડૂત નેતા નરેશ સિરોહીને કન્વીનર બનાવવામાં આવ્યા હતા.

ખેડૂત આંદોલનથી ઊભી થયેલી પરિસ્થિતિને જોતાં અને જે રીતે આંદોલનની આર્થિક કામકાજ પર પ્રતિકૂળ અસર પડી રહી છે એને ધ્યાનમાં રાખતાં ખેડૂત નેતાઓ અને અન્ય નેતાઓ સાથે બેઠક યોજવાના પ્રયાસ કરવામાં આવશે. દિલ્હી ના તો એક કૃષિ રાજ્ય છે અને ન એક ઓદ્યોગિક રાજ્ય છે, પરંતુ દેશનું સૌથી મોટું વેપાર વિતરણ કેન્દ્ર છે. દેશના વિવિધ રાજ્યોથી માલ અહીં આવે છે અને દિલ્હીથી બધાં રાજ્યોમાં માલ પૂરો પાડવામાં આવે છે. જો આંદોલન લાંબું ચાલ્યું તો નજીકના ભવિષ્યમાં કોરોના રોગચાળાના સમયગાળામાં વેપારીઓને બહુ મોટું નુકસાન ભોગવવું પડશે.