નવી દિલ્હી- IRCTC કૌભાંડ મામલામાં વિશેષ અદાલતે RJD સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુપ્રસાદ યાદવ અને તેમના પરિવાર વિરુદ્ધ આરોપી ગણાવી સમન ઈશ્યૂ કર્યું છે. સમનમાં લાલુપ્રસાદ યાદવના પત્ની રાબડી દેવી અને તેના પુત્ર તેજસ્વી યાદવના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.કેસની સુનાવણી પટિયાલા હાઉસ કોર્ટમાં 11 સપ્ટેમ્બરે યોજાવાની હતી. પરંતુ ચાર્જશીટમાં કેટલીક ખામી જણાતાં સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રેલ હોટલ ફાળવણી મામલામાં ED દ્વારા દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં લાલુપ્રસાદ યાદવ, તેમના પત્ની રાબડી દેવી અને તેમના પુત્ર તેજસ્વી યાદવ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
ચાર્જશીટમાં અનેક મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. આ કૌભાંડમાં પ્રથમ વખત લાલુપ્રસાદના અંગત સહયોગી પ્રેમચંદ ગુપ્તાનું નામ સામે આવ્યું છે. આરોપમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રેમચંદ ગુપ્તાની કંપનીઓના માધ્યમથી જ રુપિયા લાવવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે, લાલુપ્રસાદ જ્યારે રેલવેપ્રધાન હતા તે સમયે રેલવેના બે હોટલને લીઝ પર આપવામાં આવી હતી.
આ કેસમાં CBI પહેલેથી જ ઉપરોક્ત તમામ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી તેમને આરોપી બનાવી ચૂકી છે. લાલુપ્રસાદ યાદવ પર આરોપ છે કે, વર્ષ 2004થી 2006 દરમિયાન રેલવે પ્રધાનના પદ પર હોવા દરમિયાન તેમણે IRCTCના રાંચી અને પુરી સ્થિત બે હોટલ ચલાવવાનો કોન્ટ્રાક્ટ સુજાતા હોટલ્સને આપ્યો હતો. અને તેના બદલામાં પટણામાં બહુમુલ્ય બે એકર જમીન મેળવી હતી.