2019 લોકસભા ચૂંટણી જીતવા મમતા બેનરજી કરી શકે છે મોટા ફેરફાર

નવી દિલ્હી- આગામી વર્ષ 2019માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં વધુ બેઠકો જીતવા માટે તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજી કેટલાક મોટા બદલાવ કરી શકે છે. મળતી માહિતી મુજબ મમતા બેનરજી વર્તમાન 34 સાંસદોની બેઠકોમાં પણ ફેરબદલ કરે તેવી શક્યતા છે.મમતા બેનરજી માટે 2019ની લોકસભા ચૂંટણીમાં વધુ બેઠકો જીતવાનું એટલા માટે જરુરી બની જાય છે કારણકે, તે બધા વિરોધપક્ષને જોડવાનું કામ પણ કરી રહ્યાં છે. હવે જો તેમની પોતાની બેઠકોની સંખ્યા જ ઓછી થશે તો ગઠબંધનમાં તેમના માટે કોઈ વિશેષ લાભ બાકી નહીં રહે.

ભારતીય જનતા પાર્ટી માટે પણ આ વખતે મોટો મુકાબલો હશે કારણકે, ભારતીય જનતા પાર્ટીએ પણ આગામી લોકસભા ચૂંટણીમાં 25 બેઠકો જીતવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. સૂત્રોનું માનીએ તો તૃણમુલ કોંગ્રેસ આ વખતે કેટલાંક નવા ચહેરાઓને ટિકિટ આપીને મોટો ફેરબદલ કરી શકે છે. પશ્ચિમ બંગાળમાં લોકસભાની કુલ 42 બેઠકો આવેલી છે. જેમાંથી 34 TMC પાસે, 2 BJP પાસે, 4 કોંગ્રેસ પાસે અને અન્ય 2 બેઠકો CPMના ફાળે આવેલી છે.

હાલમાં જ સોમનાથ ચેટર્જીના દીકરી અનુશિલા અને બંગાળના સીએમ મમતા બેનરજી વચ્ચે યોજાયેલી બેઠક બાદ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, મમતા આગામી ચૂંટણીમાં અનુશિલાને પોતાની પાર્ટી તરફથી ઉમેદવાર બનાવી શકે છે. પાર્ટી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અનુશિલાને બીરભૂમથી ટિકિટ આપવામાં આવી શકે છે.