નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવના ઇશા ફાઉન્ડેશનને બે યુવતીઓને જબરદસ્તી સંન્યાસિની બનાવવાના મામલામાં મોટી રાહત આપી છે. CJI ચંદ્રચૂડે બંને સંન્યાસિની સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ તેમની મરજીથી ફાઉન્ડેશનમાં રહી રહી છે. જેથી કોર્ટે એ પછી મદ્રાસ હાઇકોર્ટના એ આદેશ પર સ્ટે મૂકી દીધો હતો.
મદ્રાસ હાઇકોર્ટના એ આદેશને પડકાર આપતાં સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં, જેમાં કોઇમ્બતુર પોલીસને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે એ તેમની વિરુદ્ધ બધા કેસોમાં માહિતી એકત્ર કરે અને કોર્ટમાં રજૂ કરે, જોકે ફાઉન્ડેશન તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ આદેશ પર સ્ટે લગાવવાની વિનંતી કરતાં કહ્યું હતું કે આશરે 500 પોલીસ અધિકારીઓએ ફાઉન્ડેશનના આશ્રમ પર દરોડા પાડ્યા હતા અને દરેક ખૂણાની તપાસ કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી હવે 18 ઓક્ટોબરે કરશે.
આ પહેલાં ફાઉન્ડેશનની વિરુદ્ધ નિવૃત્ત પ્રોફેસર એસ. કામરાજે મદ્રાસ હાઇકોર્ટમાં અરજી કરી હતી. કામરાજે હાઇકોર્ટમાં દાખલ હેબિયસ કોર્પસ પિટિશનમાં આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રીઓ –લતા અને ગીતાને ઇશા ફાઉન્ડેશનના આશ્રમમાં બંધક બનાવીને રાખવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ઈશા ફાઉન્ડેશને તેની દીકરીઓનું બ્રેઇનવોશ કર્યું છે, જેને કારણે તેઓ સંન્યાસિની બની ગઈ છે. તેમનો એવો આરોપ પણ છે કે આ સંગઠન લોકોનું બ્રેઇનવોશ કરી રહ્યું છે અને તેમને સાધુ બનાવી રહ્યું છે તેમ જ તેમને તેમના પરિવારજનો સાથે સંપર્કમાં રહેવા દેતું નથી. ત્યાર બાદ હાઇકોર્ટે આશ્રમ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા હતા.