નવી દિલ્હી: ભીમા-કોરેગાંવ કેસમાં અચાનક નવો વળાંક આવ્યો છે અને કેન્દ્ર સરકારે આ કેસ એનઆઈએ(NIA) ને સોંપી દીધો. એક દિવસ પહેલા જ મહારાષ્ટ્ર સરકારે વર્ષ 2018માં થયેલા ભીમા-કોરેગાંવ મામલાની સમીક્ષાનો નિર્ણય લીધો હતો. જેને લઈને કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર આમને સામને આવી ગયા છે. અત્યાર સુધી આ કેસની તપાસ પૂણે પોલીસ કરતી હતી. પરંતુ તે હવે એનઆઈને સોંપવામાં આવતા મહારાષ્ટ્ર સરકારે તેને અધિકારો પર અતિક્રમણ ગણાવ્યું છે. 31 ડિસેમ્બર 2017ના દિવસે પૂણેમાં એક પરિષદ યોજાઈ હતી. અને પૂણે પોલીસે આરોપ લગાવ્યો છે. તે પરિષદમાં હિંસાની યોજના બનાવવામાં આવી હતી.
હવે કેન્દ્રના આ નિર્ણયની મહારાષ્ટ્ર સરકારે ટીકા કરી છે. કેન્દ્રના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, કેસ એનઆઈએ ને સોંપતા પહેલા રાજ્યસરકારને પુછવામાં પણ નથી આવ્યું. દેશમુખે ટ્વીટ કર્યું કે, જ્યારે રાજ્યસરકાર આ મામલાના મુળ સુધી પહોંચવા જઈ રહી હતી ત્યારે અચાનક એનઆઈએ નો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ગયા ગુરુવારે જ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને એનસીપી નેતા અનિલ દેશમુખએ આ મામલે બેઠક બોલાવી હતી. દેશમુખે આ કેસ અંગે કહ્યું હતું કે, પોલીસને મળેલા પુરાવાના આધાર પર આ મામલાની સંપૂર્ણ જાણકારી મળ્યા પછી જ આ કેસની સમીક્ષા કરાશે અને કોઈ અંતિમ નિર્ણય પર પહોંચશે.
મહત્વનું છે કે, 1 જાન્યુઆરી 2018ના પુણેમાં ભીમા-કોરેગાંવમાં હિંસા થઈ હતી. દલિત સમુદાયના લોકો 250 વર્ષ પહેલા દલિતો અને મરાઠાઓ વચ્ચે થયેલી લડાઈમાં દલિતોને મળેલી જીતની ઉજવણી કરવા માટે દર વર્ષે અહીં એક્ઠા થાય છે. કાર્યક્રમના આયોજકોનો નક્સલિયો સાથે સંબંધ હોવાનો પોલીસે આરોપ લગાવ્યો હતો.
ગયા વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં 10 એક્ટિવિસ્ટ્સની ધરપકડ કરવામાં આવી હતી. તમામ આરોપી ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. હાલમાં જ એનસીપી નેતાઓએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરીને ભીમા-કોરેગાંવ હિંસાના આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા તમામ કેસ બંધ કરવાની માંગ કરી હતી.