ખેડૂતોનાં ‘ભારત બંધ’ને ઉત્તર ભારતમાં સારો પ્રતિસાદ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાસ કરેલા ત્રણ કૃષિ કાયદા સામેના વિરોધમાં છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે ‘ભારત બંધ’નું એલાન કર્યું છે. સવારે 6 વાગ્યાથી શરૂ થયેલું ‘ભારત બંધ’ એલાન સાંજે ચાર વાગ્યા સુધી અમલમાં રહેશે. આંદોલનને ઉત્તર ભારતમાં સારો પ્રતિસાદ મળ્યો છે. દેશના અન્ય ભાગોમાં પરિસ્થિતિ જનજીવન રાબેતા મુજબ છે. આંદોલનકારી ખેડૂતોએ દિલ્હીને હરિયાણા અને પંજાબ સાથે જોડતા રાષ્ટ્રીય હાઈવે નંબર-1 સહિત અનેક મોટા હાઈવે પર ટ્રાફિક અટકાવ્યો છે. કૃષિ કાયદાઓને રદ કરવામાં આવે એવી ખેડૂત સંગઠનોની માગણી છે. ઉત્તર ભારતના પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હીમાં ખેડૂતોએ જંગી રેલીઓ કાઢી છે અને રેલ રોકો આંદોલન પણ કર્યું છે.

પંજાબ અને હરિયાણામાં ભારત બંધ આંદોલનની અસર સૌથી વધારે જોવા મળે એવી ધારણા છે. અનેક હાઈવે પર સેંકડો ખેડૂતો, ખેતમજૂરો, કમિશન એજન્ટ્સ, કામદાર સંઘોના સભ્યો અને રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ આજે સવારથી જ બેસી ગયા છે અને ટ્રાફિકને અટકાવ્યો છે. ખેડૂતોએ હાઈવે તથા મોટા લિન્ક માર્ગો પર એમના ટ્રેક્ટર પાર્ક કરી દીધા છે.