નવી દિલ્હીઃ ખેડૂતોની દિલ્હી કૂચની વચ્ચે કિસાન મોરચાએ આજે ભારત બંધનું આહ્વાન કર્યું છે. સંયુક્ત કિસાન મોરચા અનુસાર ભારત બંધ સવારે છ કલાકે શરૂ થઈને સાંજે ચાર કલાક સુધી ચાલશે. બીજી બાજુ ખેડૂતો બપોરે 12 કલાકથી સાંજે ચાર કલાક સુધી ચક્કાજામ-રસ્તા રોકો આંદોલનમાં સામેલ થશે. આ ઉપરાંત, શાકભાજી અને અન્ય પાકનો પુરવઠો અને ખરીદી સ્થગિત રહેશે.
આ સમયગાળા દરમિયાન એવી જાહેરાત કરવામાં આવી છે કે ગામડાઓમાં તમામ કૃષિ પ્રવૃત્તિઓ, મનરેગાના કામો અને ગ્રામીણ કામો બંધ રહેશે. જોકે બંધ દરમિયાન ઈમરજન્સી સેવાઓ બંધ કરવામાં આવશે નહીં. એમ્બ્યુલન્સ, મૃત્યુ, લગ્ન, મેડિકલ શોપ, ન્યૂઝપેપર સપ્લાય, બોર્ડની પરીક્ષાઓ, મુસાફરોને એરપોર્ટ સુધી પહોંચાડવા સહિતની ઇમરજન્સી સેવાઓ બંધ કરવામાં આવશે નહીં. પ્રાપ્ત માહિતી મુજબ છ ટ્રેનોને લુધિયાણા-સાહનેવાલ-ચંદીગઢ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે.
ખેડૂતો સાથે કેન્દ્ર સરકારની ત્રીજી બેઠક પણ નિષ્ફળ રહી છે. આ બેઠકનું કોઈ પરિણામ આવ્યું નથી. બેઠક દરમિયાન MSP પર લાંબી ચર્ચા થઈ હતી. સરકારે અનેક તર્ક આપ્યા, પરંતુ ખેડૂતો એ સ્વીકારવા તૈયાર ન હતા.કેન્દ્રએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઘણા પાક પર પહેલેથી જ MSP આપવામાં આવી રહી છે. એ વાત પર પણ ભાર મુકવામાં આવ્યો હતો કે હરિયાણા અને પંજાબના ખેડૂતોને ઘઉં અને ડાંગર પર પહેલેથી જ એમએસપી મળી રહી છે. પરંતુ ખેડુતો તેમની માંગ પર અડગ રહ્યા જ્યાં એવું કહેવામાં આવ્યું હતું કે કાનૂની બાંયધરી જરૂરી છે.