ઉનાળા પહેલાં પાણીની પારાયણઃ પાણીના સંકટથી ત્રસ્ત બેંગલુરુ

બેંગલુરુઃ શહેર દેશના સિલિકોન વેલીને નામે પણ ઓળખાય છે. હજી ઉનાળા પહેલાં અહીંના લોકોએ મજબૂરીમાં જ પાણીનું રેશનિંગ શરૂ કરી દીધું છે. તેઓ પાણીનો ઉપયોગ ઓછો કરી રહ્યા છે અને દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે કેટલાક લોકો સામાન્ય કિંમત કરતાં બે ગણી કિંમતની ચુકવણી કરીને પાણી ખરીદી રહ્યા છે.

ગયા વર્ષે બેંગલુરુમાં દક્ષિણ-પશ્ચિમી ચોમાસું નબળું રહ્યું હતું. જેથી ભૂગર્ભ જળ સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને કાવેરી નદી બેસિનનું જળ સ્તર પણ ઘટ્યું છે. ઓછા વરસાદને કારણે જળાશયોમાં પણ જળસ્તર ઓછાં થઈ ગયાં છે. IT હબ અને સ્ટાર્ટઅપવાળા આ શહેરની વસતિ 1.40 કરોડ છે. પાણીનું સંકટ વધી રહ્યું છે, જેથી લોકો ગરમી આવતાં પહેલાં પાણીનાં ટેન્કરોથી પાણી ખરીદી રહ્યા છે.

શહેરના કેટલાક ભાગોમાં ડીલરોએ 12,000 લિટર ટેન્કરો માટે રૂ. 2000 વસૂલવા શરૂ કર્યા છે, જે મહિના પહેલાં રૂ. 1200 હતા. શહેરના ઉત્તર ભાગમાં રહેતા સંતોષ CAએ કહ્યું હતું કે અમારે પાણીનાં ટેન્કર બે દિવસ પહેલાં બુક કરવાં પડે છે અને અમે એક દિવસ છોડીને નાહી રહ્યા છીએ.

શહેરના કેટલાંક એપાર્ટમેન્ટમાં મોંઘા થતા પાણી ખર્ચને લીધે પાણીની કિંમતો વધારી દીધી છે. એક અન્ય રહેવાસ શિરીષએ કહ્યું હતું કે પાણી સપ્લાય કરવાવાળાઓ માટે કોઈ નિયમ નથી અને તેમણે આ વર્ષે કિંમતોમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

શહેરમાં પાણીના સપ્લાય માટે બેંગલુરુ વોટર સપ્લાય અને સિવરેજ બોર્ડ (BWSSB) પર છે. BWSSB અને કર્ણાટક સરકારને કાવેરી બેસિનથી વધારાના પાણી માટે અધિકારીઓને અપીલ કરી હતી. જોકે BWSSB અને કર્ણાટક સરકારે ઇમેઇલના સવાલોનો કોઈ જવાબ નથી આપ્યો.