સ્થળાંતર, મહિલાઓની તસ્કરી રોકવા બંગાળ-મહારાષ્ટ્ર વચ્ચે કરાર

કોલકાતાઃ કામની તલાશમાં લોકોનું સ્થળાંતર થતું રોકવા અને મહિલાઓની તસ્કરીની પ્રવૃત્તિઓને રોકવા માટે પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર રાજ્યોએ એક કરાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ બે રાજ્યો વચ્ચે લોકોની અવરજવર ખૂબ રહેતી હોય છે. બંગાળ રાજ્ય દેશના અન્ય કેટલાક રાજ્યો ઉપરાંત બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાન જેવા દેશો સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતું હોવાથી માનવ તસ્કરીની પ્રવૃત્તિઓ મોટા પાયે ચાલી રહી છે.

પશ્ચિમ બંગાળ સરકાર અને યૂનિસેફ સંસ્થાના ઉપક્રમે આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે રાજ્યનાં મહિલાઓ અને બાળવિકાસ તથા સમાજ કલ્યાણ ખાતાનાં મહિલા પ્રધાન ડો. શશી પાંજાએ કહ્યું છે કે બાળકોને તસ્કરીથી બચાવવા તેમજ એમને જુદા જુદા પ્રકારના સાઈબર ગુનાઓના શિકાર બનતા રોકવા માટે બંગાળ સરકાર વિદ્યાર્થીઓ તતા કોલેજો-યૂનિવર્સિટીઓનાં સંચાલકોને જણાવી રહી છે કે તેઓ ઓનલાઈન દૂષણ અંગે જનજાગૃતિ ફેલાવે. મહારાષ્ટ્ર સરકાર સાથે અમે કરેલો કરાર મહિલાઓનું સ્થળાંતર અને તસ્કરીની પ્રવૃત્તિઓને અટકાવશે, એમ પણ તેમણે કહ્યું.