નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના સર્વેમાં બીજેપી પાછળ પડી રહી હોવાના સંકેત મળ્યા બાદ વિપક્ષ ઉત્સાહિત દેખાઈ રહ્યો છે. ચૂંટણીના પરિણામો આવ્યા પહેલા વિપક્ષી એકતાને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી ટીડીપી નેતા ચંદ્રાબાબૂ નાયડૂએ આજે બિન ભાજપી પક્ષોની મહાબેઠક બોલાવી છે. મંગળવારના રોજ પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામો આવવાના છે અને તેજ દિવસે સંસદનું શીતકાલીન સત્ર પણ શરુ થવા જઈ રહ્યું છે. આ મીટિંગમાં વિપક્ષી દળ સંસદમાં સરકારને ઘેરવાના ચોક્કસ પ્લાન સાથે જ 2019ની ચૂંટણીમાં એકજૂટ બનીને બીજેપીને હરાવવા માટેની રણનીતિ પર ચર્ચા કરશે. ત્યારે આ વચ્ચે બીજેપી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ વિપક્ષના એકજુટ થવા પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે મોદી સાથે મુકાબલો કરતા પહેલા પોતાનો પીએમ પદનો ઉમેદવાર જાહેર કરવો જોઈએ.
પ્રાપ્ત વિગતો અનુસાર આ મીટિંગમાં દેશમાં આવનારી ચૂંટણીઓને લઈને બીજેપી સામે એકજુટ બનીને મુકાબલો કરવા મામલે રણનીતિ બની શકે છે. આ મહાબેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ભાગ લેશે તેવી શક્યતાઓ છે. સંસદ ભવનના એનેક્સીમાં થનારી આ મીટિંગમાં એસપી ચીફ અખિલેશ યાદવ, નેશનલ કેન્ફરન્સના મુખિયા ફારુક અબ્દુલ્લા સહિત ઘણા દિગ્ગજ નેતા ઉપસ્થિત રહેશે. બેઠકમાં કેરળ, પંજાબ, સહિતના રાજ્યોના મુખ્યપ્રધાન ઉપસ્થિત રહેશે.
મીટિંગમાં એનસીપી ચીફ શરદ પવાર, તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી, સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી, સીપીઆઈના મહાસચિવ એસ. સુધાકર રેડ્ડી સહિતના લોકો આ મીટિંગમાં ભાગ લે તેવી શક્યતાઓ છે. ડીએમકે નેતા એમકે સ્ટાલિન, આમ આમ આદમી માર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ, રાષ્ટ્રીય જનતા દળના લીડર તેજસ્વી યાદવ અને એલજેડીના લીડર શરદ યાદવ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. તો આ સીવાય આ મીટિંગમાં મુલાયમ સિંહ યાદવ પણ ભાગ લે તેવી શક્યતાઓ છે. ત્યારે મમતા બેનર્જી અને એનસીપી ચીફ શરદ પવાર આ બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ચૂક્યા છે.
જો કે આ વિપક્ષ એકજુટ થાય તે પહેલા જ તેમને ઝાટકો લાગતો હોય તેવું દેખાઈ રહ્યું છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર બસપા ચીફ માયાવતી અને બીજેડી લીડર નવીન પટનાયક આ મીટિંગમાં ન આવે અને આ મીટિંગથી દૂર રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જો કે માયાવતીના પ્રતિનિધિ તરીકે બીએસપીના મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્ર ઉપસ્થિત રહી શકે છે.
આ પહેલા ડીએમકેના અધ્યક્ષ એમ.કે.સ્ટાલિને આ મામલે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સ્ટાલિન સાથે મીટિંગ બાદ રાહુલ ગાંધીએ જણાવ્યું કે અમારી બેઠક સોહાદપૂર્ણ રહી અને અમે નિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે હું ગઠબંધનને મજબૂત બનાવવાની દિશામાં અગ્રેસર છું. અમારુ મહાગઠબંધન સમયની પરીક્ષામાંથી ગુજરી રહ્યું છે.