વોટ પર વોચ! કોંગ્રેસે પૂછ્યું કે એમપીમાં સ્ટ્રોંગ રુમ પાસે વાઈફાઈ શાં માટે એક્ટિવ જોવા મળ્યું?

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી આવતીકાલે થવાની છે. પરંતુ ઈવીએમની સુરક્ષાને લઈને સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં કેટલાક વિસ્તારમાં સ્ટોંગ રુમના ક્ષેત્રમાં વાઈફાઈ ચાલતુ હોવાનું સામે આવ્યું હતું. હકીકતમાં ચૂંટણી પંચે સુરક્ષાના કારણોથી સ્ટ્રોંગ રુમ અને આસપાસ વાઈફાઈ અને ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય વિવેક તનખાએ ચૂંટણી આયોગનું ધ્યાન આકર્ષિત કરતા ટ્વિટ કર્યું, કે ઈન્દોર અને કેટલીક અન્ય જગ્યાઓ પર જ્યાં ઈવીએમ રાખવામાં આવ્યા છે ત્યાં વાઈફાઈ ચાલી રહ્યું છે. આનાથી મતગણનાની નિષ્પક્ષતા પર ગંભીર સંદેહ ઉભો થાય છે. આખરે આ ક્ષણે આની શું જરુરિયાત છે. આનાથી સરળતાથી ઈવીએમ ચિપ સુધી પહોંચી શકાય. અત્યંત ગંભીર મામલો.

તો મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીએ મતગણનાનું વેબકાસ્ટિંગ ન કરવાના નિર્દેશ આપ્યા છે. તો આ સાથે જ એ નિર્દેશ પણ જાહેર કરવામાં આવ્યા છે કાઉન્ટિંગ હોલમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને મતગણના સમયે વાઈફાઈનો ઉપયોગ ન થાય.

ઉલ્લેખનીય છે થોડા દિવસ પહેલા મધ્ય પ્રદેશની એક હોટલમાં ઈવીએમ મશીન અને સાગર જિલ્લામાં નંબર વગરની સ્કૂલ બસથી સ્ટ્રોંગ રુમમાં ઈવીએમ પહોંચાડવાનો વીડિયો જાહેર કરતા કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે બીજેપી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં જનાદેશને પલટવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યાં જ એક અન્ય મામલામાં ભોપાલમાં આશરે એક કલાક સુધી વિજળી ન હોવાના કારણે સ્ટ્રોંગ રુમના સીસીટીવી અને એલઈડી ડિસ્પ્લે આ સમયગાળામાં કામ ન કરી શક્યા.

આ તમામ ફરિયાદો પર ચૂંટણી આયોગે પણ માન્યું છે મધ્ય પ્રદેશમાં આવી બે ઘટનાઓ થઈ હતી જેમાં ઈવીએમને લઈને નિયમોનું પાલન ન થઈ શક્યું. આયોગનું કહેવું હતું કે આ મશીનો સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી. પરંતુ આયોગે એક અધિકારીને બે મશિનો સમય કરતા મોડા જમા કરાવવાના આરોપમાં સસ્પેન્ડ કરી દીધા.

ચૂંટણી આયોગ દ્વારા કહેવામાં આવ્યું કે મશીનો સાથે કોઈ છેડછાડ નથી કરાઈ. મશીનો મોડા પહોંચ્યા તે મામલે એક અધિકારીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. ત્યારે શાજાપુર જિલ્લામાં બીજેપી નેતાની એક હોટલમાં ઈવીએમ મશીનો સાથે અધિકારીઓના વીડિયો સામે આવવા મામલે ચૂંટણી આયોગે જણાવ્યું કે અધિકારીઓ દ્વારા જે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તે મામલે જેવા સમાચાર સામે આવ્યા કે તરત જ અધિકારીઓને હટાવી દેવામાં આવ્યા છે.

એકતરફ કોંગ્રેસના નેતા સતત ઈવીએમની સુરક્ષા પર સવાલો ઉભા કરી રહ્યા છે તો મધ્ય પ્રદેશ, છત્તિસગઢ અને રાજસ્થાનમાં પાર્ટી કાર્યકર્તાઓને સ્ટ્રોંગ રુમ પર 11 ડિસેમ્બર સુધી નજર રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ કાર્યકર્તાઓ, આ સતર્ક રહેવાનો સમય છે. મધ્ય પ્રદેશમાં વોટિંગ બાદ ઈવીએમનો વ્યવહાર અજીબ રહ્યો છે.

તો મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથે ટ્વિટમાં લખ્યું કે તમામ કોંગ્રેસજન અને કોંગ્રેસના ઉમેદવારોને અપીલ છે કે 11 ડિસેમ્બરના રોજ થનારી મતગણતરી સુધી સ્ટ્રોંગ રુમ અને ઈવીએમ પર નજર રાખો, વિશેષ સાવધાની રાખો અને કોંગ્રેસની સરકાર બનશે તે નક્કી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]