લંડન- બોલિવૂડ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીએ ભારતમાં મોટો વિવાદ ઉભો કર્યો છે. જેના લીધે તેના પ્રદર્શન ઉપર પણ હાલ પુરતી રોક લગાવવામાં આવી છે. સેન્સર બોર્ડે અધૂરા ડોક્યુમેન્ટેશનને કારણે નિર્માતાઓને ફિલ્મ પરત કરી છે. જોકે, બ્રિટનમાં આનાથી અલગ ઘટના જોવા મળી છે. બ્રિટિશ સેન્સર બોર્ડે સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીને પાસ કરી દીધી છે.
મળતી માહિતી મુજબ બ્રિટિશ બોર્ડ ઓફ ફિલ્મ ક્લાસિફિકેશને (BBFC) ફિલ્મ પદ્માવતીને એપિક ડ્રામા કેટેગરીમાં સ્થાન આપી 12A સર્ટિફિકેટ આપ્યું છે. જે મુજબ આ ફિલ્મ 12 વર્ષ અને તેનાથી વધુની ઉંમરના લોકોને દેખાડી શકાશે. BBFCના મતે પદ્માવતી એક એપિક ડ્રામા છે જેમાં એક સુલતાન રાજપૂત રાણીને મેળવવા સેનાનું નેતૃત્વ કરે છે.
જોકે બ્રિટિશ સેન્સર બોર્ડે પાસ કરી હોવા છતાં ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મ રિલીઝ કરવાનો ઈન્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ભારતમાં ફિલ્મ પાસ થયા બાદ જ બીજા દેશોમાં ફિલ્મ રિલીઝ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
ફિલ્મ પદ્માવતી ભારતમાં 1 ડિસેમ્બરે રિલીઝ કરવાની હતી, પરંતુ અધુરા ડોક્યુમેન્ટેશનને કારણે સેન્સર બોર્ડે ફિલ્મ નિર્માતાઓને ફિલ્મ પરત કરી છે. IFFIમાં પ્રસૂન જોશીએ જણાવ્યું કે, ફિલ્મની વર્તમાન સ્થિતિ જોતાં ફિલ્મને સર્ટિફિકેટ આપવામાં હજી 68 દિવસ જેટલો સમય લાગી શકે છે.