શુભાંગી સ્વરુપે મેળવ્યું ઈન્ડિયન નેવીની પ્રથમ મહિલા પાયલટનું ગૌરવ

નવી દિલ્હી- ભારતીય નેવીમાં પ્રથમવાર કોઈ મહિલા પાયલટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈન્ડિયન નેવીના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ મહિલા પાયલટની નિમણૂક કરવામાં આવી હોય.

બે વર્ષ અગાઉ 2015માં મહિલાઓને નેવીમાં પાયલટ તરીકે સામેલ કરવા પરવાનગી આપવામાં આવી હતી. નેવીમાં પાયલટ બનનારી બરેલીની રહેવાસી શુભાંગીને સ્ટેન્ડિંગ કમિશનના માધ્યમથી રાખવામાં આવ્યાં છે. જોકે નેવીમાં અત્યાર સુધી યુદ્ધની ભૂમિકામાં મહિલા પાયલટનો સમાવેશ કરવા માટે પરવાનગી મળી નથી.

શુભાંગી સ્વરુપ મૂળ ઉત્તરપ્રદેશના બરેલીના રહેવાસી છે. શુભાંગી સ્વરુપે પાયલટ તરીકે પોતાની નવી જવાબદારીને ઘણી જ રોમાંચક અને પડકારોથી ભરપૂર ગણાવી છે. હૈદરાબાદમાં આવેલી એરફોર્સ એકેડેમીમાં શિક્ષણ લીધા બાદ તેમને અત્યાધુનિક વિમાન P-8I ઉડાડવાની તક મળશે.

આ ઉપરાંત શુભાંગી સ્વરુપ કેરળમાં આવેલી ઈન્ડિયન નેવી એકેડેમીની પાસિંગ આઉટ પરેડમાં ભાગ લેશે. ભારતના ફોકસમાં અત્યારે હિંદ મહાસાગર છે. હિંદ મહાસાગરમાં ચીનની પ્રવૃતિઓ પર નજર રાખવા માટે ભારતીય નેવી મહિલા પાયલટની મદદ લઈ શકે છે.

ભવિષ્યમાં શુભાંગીને શિપ ઈન્ચાર્જ તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે. શુભાંગી સ્વરુપની સાથે આસ્થા સહગલ, એ. રુપા અને કેરળની શક્તિમાયાનો નેવીના આર્મામેન્ટ ઇસ્પેક્શન બ્રાંચમાં પ્રથમવાર સમાવેશ કરવામાં આવ્યો છે.