વાસ્કો ડ ગામા-પટના એક્સપ્રેસના 13 ડબ્બા ખડી પડ્યા; ૩નાં મરણ, ૧૩ ઘાયલ

લખનઉ – ગોવાના વાસ્કો ડ ગામાથી બિહારના પટના વચ્ચે દોડતી વાસ્કો ડ ગામા-પટના એક્સપ્રેસ ટ્રેનના ૧૩ ડબ્બા આજે વહેલી સવારે લગભગ ૪.૧૫ વાગ્યે ઉત્તર પ્રદેશના ચિત્રકુટ જિલ્લાના માનિકપુર સ્ટેશન નજીક ખડી પડતાં ત્રણ જણનાં મરણ નિપજ્યાં છે.

આ દુર્ઘટનામાં બીજાં ૧૩ જણ ઘાયલ પણ થયાં છે.

મૃતકોમાં એક બાળક અને એના પિતાનો સમાવેશ થાય છે. એમને બિહારના બેતિયા જિલ્લાના રહેવાસી રામસ્વરૂપ પટેલ અને દીપક તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે.

બનાવ નજરે જોનારાઓના જણાવ્યા મુજબ, પાટા તૂટેલા હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. રેલવે તંત્ર એ વિશે તપાસ કરી રહ્યું છે.

ઈજાગ્રસ્તોને તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોર્થ સેન્ટ્રલ રેલવેના જનરલ મેનેજર સહિત ટોચના રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

નોર્થ સેન્ટ્રલ રેલવેના વડા જનસંપર્ક અધિકારી અમિત માલવીયાએ કહ્યું છે કે સવારે ૫.૧૦ વાગ્યા સુધીમાં એક મેડિકલ ટ્રેન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને એક એક્સિડન્ટ રિલીફ ટ્રેન પણ ત્યાં મોકલી દેવામાં આવી છે.