કશ્મીરમાં આતંકવાદીઓએ રાજસ્થાની બેન્ક મેનેજરની હત્યા કરી

શ્રીનગરઃ મૂળ રાજસ્થાનના હનુમાનગઢના રહેવાસી એક બેન્ક મેનેજરની આતંકવાદીઓએ જમ્મુ અને કશ્મીરના કુલગામમાં ગોળી મારીને હત્યા કરી છે. માત્ર બે જ દિવસમાં કશ્મીર ખીણમાં આતંકવાદીઓએ આ બીજો ટાર્ગેટ હુમલો કર્યો છે.

વિજયકુમાર નામના તે બેન્ક મેનેજર કુલગામ જિલ્લાના અરેહ મોહનપોરામાં ઈલાકી દેહાતી બેન્કમાં મેનેજર તરીકે કામ કરતા હતા. આતંકવાદીઓએ બેન્કમાં ઘૂસી એમને ગોળી મારી હતી. વિજયકુમારને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ ત્યાં એ ગંભીર ઈજાને કારણે મૃત્યુ પામ્યા હતા. આતંકવાદીઓએ ગયા મંગળવારે સવારે કુલગામ જિલ્લામાં જ હિન્દુ શિક્ષિકા રજનીબાલાની પણ ગોળી મારીને હત્યા કરી હતી. છેલ્લા ત્રણ અઠવાડિયામાં કશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા હત્યા કરાયેલા વિજયકુમાર ત્રીજા હિન્દુ નાગરિક છે.