હરિદ્વાર: ઉત્તરાખંડમાં કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે જિલ્લા પ્રશાસને બુધવારે અહીં હર કી પૌડી પર દરરોજ થતી ગંગા આરતીમાં લોકોને સામેલ થવા પર 31 માર્ચ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. ગંગા સભાના પદાધિકારીઓ દ્વારા 31 માર્ચ સુધી ગંગા આરતી કરવામાં આવશે જેમાં સામાન્ય લોકો નહીં જોડાય.
લોકોની સુવિધા માટે ગંગા સભા દ્વારા આરતીનું લાઈવ સ્ટ્રીમિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી શ્રદ્ધાળુઓ ઈન્ટરનેટ પર લાઈવ જોઈ શકશે. મહત્વનું છે કે, આ પહેલા આંધ્રપ્રદેશના તિરુપતિ તિરુમાલામાં પણ શ્રદ્ધાળુઓને પણ લાઈનમાં ઉભા રહેવાની મનાઈ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 166એ પહોંચી ગઈ છે. જેમાં 141 ભારતીય અને 25 વિદેશી નાગરિક સામેલ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે. 15 લોકોની સારવાર કરી દેવામાં આવી છે અને દેશમાં કોરોના વાઈરસના કારણે મોતની સંખ્યા 3 થઈ ચૂકી છે.
