આ અઠવાડિયું હોર્સ ટ્રેડિંગ માટે સોનાની ખાણ સમાન: સુપ્રીમ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે મધ્ય પ્રદેશ વિધાનસભા અધ્યક્ષને પૂછ્યું કે શું તેઓ બેંગ્લોરમાં કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી શકે તેમ છે?  સ્પીકરે ધારાસભ્યોને જાતે રાજીનામાંની પુષ્ટિ કરવા જણાવ્યું હતું, પરંતુ સુરક્ષા વ્યવસ્થાની ગેરહાજરીમાં ધારાસભ્યોએ તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. મહત્વનું છે કે, આ ધારાસભ્યોના રાજીનામાને કારણે જ રાજ્યની કમલનાથ સરકાર ઓક્સીજન પર આવી ગઈ છે. બળવાખોર ધારાસભ્યોનો આક્ષેપ છે કે કોંગ્રેસ તેમને રાજીનામું પાછું ખેંચવા મજબૂર કરવા પ્રયાસ કરી રહી છે અને આ કારણે તેઓ પર ભારે દબાણમાં છે.

જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું, અમે બેંગલુરુ અથવા અન્ય કોઈ સ્થળે સુપરવાઈઝરની નિમણૂક કરી શકીએ છીએ…તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમારો સંપર્ક કરી શકે છે, અને પછી તમે નક્કી કરી શકો છો…”

મધ્યપ્રદેશ વિધાનસભાના અધ્યક્ષે અંતિમ નિર્ણય લેવા માટે સુપ્રીમ કોર્ટ પાસે બે સપ્તાહનો સમય માંગ્યો છે. વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, મને નિર્ણય લેવા માટે બે અઠવાડિયાનો સમય આપો…બળવાખોર ધારાસભ્યોને મધ્યપ્રદેશમાં તેમના ઘરે પરત ફરવા દો… તેઓ તેમના પરિવારથી દૂર રહી રહ્યા છે…વિડિઓ કોન્ફરન્સિંગનો વિચાર મારી ચિંતાઓની પુષ્ટિ કરે છે…

આ મુદ્દે ન્યાયમૂર્તિ ચંદ્રચુડે કહ્યું કે, આ અઠવાડિયું ખરીદ-વેચાણ માટેના સોનાની ખાણ સમાન છે. તેથી જ ફ્લોર ટેસ્ટના ઓર્ડર આપવા માટે કોર્ટ કાર્યવાહી કરી રહી છે… ફ્લોર ટેસ્ટ જલ્દીથી કરાવવાનો વિચાર છે, જેથી ખરીદ વેચાણ ટાળી શકાય.