પુણેઃ કોરોના રોગચાળાનો સમય વિશ્વ માટે મુશ્કેલ રહ્યો છે. એનાથી પણ વધુ એવા લોકો માટે જેમણે રોગચાળાને કારણે તેમના પોતાનાં સગાંવહાલાં ગુમાવી ચૂક્યા છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં કેટલીક કંપનીઓ તેમના કર્મચારીઓની અને તેમના પરિવારોની પડખે ઊભી છે.
થ્રી- અને ટૂ વ્હીલર વાહન ઉત્પાદક બજાજ ઓટોએ ઘોષણા કરી છે કે કંપની કોવિડ-19થી સંક્રમિત થયેલા કર્મચારીઓના પરિવારોને પગાર ચૂકવશે. વળી કંપની કોરોનાને લીધે મૃત્યુ પામનારા કર્મચારીઓનાં બાળકોને શિક્ષણ માટે ફંડ પૂરું પાડશે. કંપનીએ હાલમાં આ નિર્ણયની લિન્ક્ડઇન પર આ જાહેરાત કરી હતી અને ઉમેર્યું હતું કે કંપની મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારોને પણ મેડિકલ ઇન્સ્યોરન્સ આગામી પાંચ વર્ષ સુધી આપશે. આ સાથે કંપની જીવન વીમા કવચ પણ પૂરા પાડશે.
કંપનીએ લિન્ક્ડઇન પરની પોસ્ટમાં જાહેરાત કરી હતી કે કંપની મહત્તમ પ્રતિ મહિને રૂ. બે લાખ 24 મહિનાઓ માટે ચુકવણી કરશે અને કંપની બે બાળકોને મહત્તમ બાળકદીઠ રૂ. એક લાખ વાર્ષિક 12 ધોરણ સુધી અને ગ્રેજ્યુએશન માટે પ્રતિ બાળક રૂ. પાંચ લાખની મદદ કરવામાં આવશે. કંપની બધા કર્મચારીઓને વિવિધ સ્તરે મદદ કરશે, જેમાં કંપની કોરોનાને લગતી સુવિધા,, ટેસ્ટિંગ, હોસ્પિટલ સુવિધા અને રસીના કેમ્પ પણ કરશે. કંપનીએ સ્પષ્ટ કર્યું હતું કે આ સહાયતા નીતિ એક એપ્રિલ, 2020થી બધા સ્થાયી કર્મચારીઓ માટે લાગુ રહેશે.
આ પહેલાં મેમાં બોરોસિલ અને બોરોસિલ રિન્યુએબલ્સે કર્મયારીઓ માટે આ પ્રકારની સહાયતા નીતિ જાહેર કરી હતી. મુંબઈસ્થિત ગ્લાસવેર કંપનીએ કહ્યું હતું કે કોરોનાને લીધે જીવ ગુમાવનાર કર્મચારીના પરિવારને આગામી બે વર્ષ સુધી પગાર મળતો રહેશે. બોરોસિલે ભારતમાં ગ્રેજ્યુએટ થયેલા કર્મચારીના બાળકોને શિક્ષણ ટમે પૈસા આપવાનું વચન આપ્યું છે.