બાબા રામદેવ જનતાને ઓછી ના આંકેઃ સુપ્રીમ કોર્ટે

નવી દિલ્હીઃ પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાત મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન રામદેવ અને બાલકૃષ્ણ પર કોર્ટની માનહાનિનો કેસ ચાલશે કે નહીં એ મુદ્દે સુપ્રીમ કોર્ટે આદેશ સુરક્ષિત રાખ્યો છે. એ સાથે કોર્ટે IMAના અધ્યક્ષને કડક ફટકાર લગાવતાં તેમની માફીને પણ ઠુકરાવી દીધી હતી.

જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાની ખંડપીઠે પતંજલિને સવાલ કર્યો હતો કે જે દવાઓનાં લાઇસન્સને લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે, એ દવાઓને દુકાનોમાં વેચવા કે અટકાવવા માટે બજારથી પરત લેવા માટે તેમની તરફથી કયાં પગલાં લેવામાં આવ્યાં છે? કોર્ટે એને લઈને એક એફિડેવિટ દાખલ કરવા માટે આદેશ આપ્યો હતો. પતંજલિ તરફથી જવાબ આપતાં વકીલ બલબીર સિંહે કહ્યું હતું કે અમે એ પ્રોડક્ટ્સના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોર્ટે આ સંદર્ભે ત્રણ સપ્તાહમાં જવાબ માગ્યો છે.

જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું હતું કે બાબા રામદેવ પર લોકોને વિશ્વાસ છે. તેમણે જનતાને ઓછી ના આંકવી જોઈએ. લોકો તેમની વાત સાંભળે છે અને અમલ પણ કરે છે. જસ્ટિસ કોહલીએ કહ્યું હતું કે યોગમેં તમારું અને મારી ટીમનું મોટું યોગદાન છે, પરંતુ પતંજલિની પ્રોડક્ટ એ એક અલગ મુદ્દો છે.

સુપ્રીમ કોર્ટે IMAના અધ્યક્ષને પણ ફટકાર લગાવતાં કહ્યું હતું કે તમે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો? એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. તમે એ જ કર્યું છે, જે બીજા પક્ષકારે કર્યું છે. તમે કોર્ટ વિશે કંઈ પણ ના કહી શકો. IMA અધ્યક્ષે કોર્ટની વિના શરતે માફી માગી હતી.