નવી દિલ્હી- અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે દરરોજ રાજકારણ ગરમાઈ રહ્યું છે. હવે રામ મંદિર પર શિવસેનાએ કડક વલણ અપનાવ્યું છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આગામી 25 નવેમ્બરે અયોધ્યા યાત્રા કરવા જઈ રહ્યાં છે. તેમની યાત્રા પહેલાં સ્થિતિની સમીક્ષા કરવા પાર્ટીના ચાર મોટા નેતા આજે અયોધ્યા પહોંચ્યા છે.અયોધ્યા જનારા શિવસેનાના નેતાઓમાં સંજય રાઉત, મિલિંદ નાર્વેકર, એકનાથ શિંદે અને અનિલ પરબનો સમાવેશ થાય છે. આ ચારેય નેતાઓ અયોધ્યામાં જગ્યા અને વ્યવસ્થાની સ્થિતિની સમિક્ષા કરી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે, શિવસેનાના નેતાઓનો અયોધ્યાની આ ત્રીજી મુલાકાત છે.
શિવસેનાના નેતા સંજય રાઉત ગત સપ્તાહે પણ અયોધ્યા પહોંચ્યા હતા. અને ઉદ્ધવ ઠાકરેની અયોધ્યા મુલાકાતને લઈને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથએ મુલાકાત કરી હતી. ગત મુલાકાત દરમિયાન સંજય રાઉતે કહ્યું હતું કે, ‘જો હવે રામ મંદિર નહીં બને તો કદાચ ભાગ્યે જ આવી તક ભવિષ્માં મળશે’.
સંજય રાઉતે કહ્યું કે, વડાપ્રધાન અને મુખ્યપ્રધાન બન્ને બીજેપીના છે. તો પછી મંદિર નિર્માણમાં વિલંબ કેમ થઈ રહ્યો છે. જનતાએ રામના નામે બીજેપીને મત આપ્યા હતા એ વાત ભૂલવી જોઈએ નહીં. સાડા ચાર વર્ષ વિતી ગયા છે છતાં અધ્યાદેશ લાવવામાં મોડું કેમ થઈ રહ્યું છે.
આપને જણાવી દઈએ કે, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ વિજયાદશમીના દિવસે પાર્ટી કાર્યક્રમમાં સંબોધન કરવા દરમિયાન અયોધ્યાનો પ્રવાસ કરવો અને મંદિર નિર્માણને લઈને વડાપ્રધાનને પ્રશ્ન કરવાની વાત કરી હતી.