અયોધ્યા વિવાદ: 14 માર્ચની સુનાવણીમાં ચુકાદો આવશે કે પછી વધુ એક તારીખ?

નવી દિલ્હી- અયોધ્યા વિવાદ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ત્રણ જજની બેન્ચે કહ્યું છે કે, આ કેસમાં પહેલાં મુખ્ય પક્ષકારોની દલીલ સાંભળવામાં આવશે, ત્યારબાદ અન્ય અરજી પર સુનાવણી કરવામાં આવશે. ચીફ જસ્ટિસે કહ્યું કે, હવેની સુનાવણી દરમિયાન કોઈ અન્ય અરજી સ્વીકારવામાં આવશે નહીં.આ સાથે જ કોર્ટે કેસની વધુ સુનાવણીની તારીખ 14 માર્ચ નક્કી કરી છે. આ પહેલાં આ કેસમાં 8 ડિસેમ્બરે સુનાવણી કરવામાં આવી હતી. જેમાં દસ્તાવેજોના અભાવના કારણે કોર્ટે સુનાવણી બે મહિનાસુધી લંબાવી હતી.

આ પહેલાં 8 ડિસેમ્બરના રોજ યોજાયેલી સુનાવણી દરમિયાન વક્ફ બોર્ડના વકીલ કપિલ સિબલે કહ્યું હતું કે, આ કેસ માત્ર જમીન વિવાદ નથી, રાજકીય મુદ્દો પણ છે. તેનાથી લોકસભાની ચૂંટણીના પરિણામ ઉપર પણ અસર પડશે. તેથી આ કેસની સુનાવણી 2019 પછી થવી જોઈએ. જોકે કોર્ટે આ દલીલને નકારી હતી અને કહ્યું હતું કે, કોર્ટ રાજકીય તથ્ય નહીં પણ કેસના તથ્યને ધ્યાનમાં રાખે છે.

ગત સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ આગામી સુનાવણીની તારીખ 8 ફેબ્રુઆરી નક્કી કરી હતી. તે સમયે તેમણે જણાવ્યું હતું કે, હવે કોઈ પણ અધુરા ડોક્યુમેન્ટ્સના કારણે કેસની સુનાવણી આગળ ઠેલવવાની વાત કરવામાં આવશે નહીં. દરેક પક્ષ તેમના પુરાવાઓ તૈયાર કરી લે. કોર્ટે આ અંગે ગત 11 ઓગસ્ટે 7 ભાષામાં ડોક્યુમેન્ટ્સનો અનુવાદ કરવા જણાવ્યું હતું.

હવે આ કેસની સુનાવણીની તારીખ 14 માર્ચ પર ઠેલવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનું હાલનું વલણ જોતાં 14 માર્ચે કોઈ નક્કર ચુકાદો આવશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.