યોગી સરકારનો નિર્ણય: જેલમાં શરુ કરાશે ગૌશાળા, કેદીઓ કરશે દેખભાળ

લખનઉ- ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યની જેલોમાં ગૌશાળા શરુ કરવાનો નિર્ણય કર્યો છે. જેલોમાં બંધ કેદીઓ ગાયોની દેખભાળ કરશે. શરુઆતમાં રાજ્યની 12 જેલોમાં ગૌશાળા ખોલવામાં આવશે.આ પહેલા ગૌ સેવા આયોગે પીએસી ગ્રાઉન્ડ્સ પર ગૌશાળા ચલાવવા માગ કરી હતી. જેને રાજ્યના ગૃહ અને પોલીસ વિભાગે માન્ય રાખી ન હતી. સીએમ યોગી આદિત્યનાથના હસ્તક્ષેપ બાદ હવે જેલમાં ગૌશાળાની વ્યવસ્થા કરવામાં આવશે. જેલમાં બંધ કેદીઓ ગાયોની દેખરેખ રાખશે.

ગૌશાળા માટે અલગથી બજેટની ફાળવણી

જેલમાં બંધ કાચાકામના કેદી અત્યારસુધી બાગબગીચાનું કામ, સફાઈ અને મરમ્મતનું કામ કરતા હતાં. જેને હવે ગૌશાળાનું કામ પણ સોંપવામાં આવશે. ગૌશાળા માટે યોગી સરકાર અલગથી ફંડની ફાળવણી કરશે. ગૌશાળા ખુલ્યા બાદ જેલમાં પડતર રહેલી જમીનનો પણ યોગ્ય ઉપયોગ થઈ શકશે. ઉપરાંત કેદીઓને વધુ રોજગાર મળવાને કારણે તેમને આવકનું પણ નવું સાધન મળી રહેશે.

આપને જણાવી દઈએ કે, સંગમ નગરીમાં વિશ્વ હિન્દૂ પરિષદના સંત સમ્મેલનમાં યોગી આદિત્યનાથે હાજરી આપી હતી. જ્યાં તેમણે ગાય-ગંગા અને મંદિર પર પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, ‘બધા કામ થઈ રહ્યાં છે, થોડી ધીરજ રાખો’. વધુમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, પીએમ મોદીના કાર્યકાળમાં કહ્યાં વગર જ બધા મોટા કામ કરવામાં આવી રહ્યાં છે જે સંત સમાજ ઈચ્છી રહ્યો છે. જેથી આપણે ધીરજ રાખવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, યોગી આદિત્યનાથના ગાય પ્રેમથી સૌ કોઈ પરિચિત છે. હિમાચલ પ્રદેશના નવા મુખ્યપ્રધાનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ગયેલા યોગી આદિત્યનાથે કાર્યક્રમમાં હાજરી આપતા પહેલાં ગૌશાળામાં ગાયોને ગોળ ખવડાવ્યો હતો.