નવી દિલ્હીઃ આપ વિધાનસભ્યોની બેઠકમાં CM અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. વિધાનસભ્યોના દળની બેઠકમાં એ પ્રસ્તાવને પસાર કરવામાં આવ્યો છે, જેથી હવે આતિશી ત્રીજા મહિલા મુખ્ય પ્રધાન બનશે.
દિલ્હીનાં CM કેજરીવાલ સાંજે 4.30 કલાકે રાજ્યપાલ વીકે સકસેના સાથે મુલાકાત કરશે. એ દરમ્યાન કેજરીવાલ CM પદથી રાજીનામું આપશે. LGને વિધાનસભ્યોના દળના નેતાના નામનો પત્ર પણ એ સમયે સોંપવામાં આવશે.કેજરીવાલે ગઈ કાલે એલાન કર્યું હતું કે તેઓ બે દિવસ પછી દિલ્હીના CM પદથી રાજીનામું આપીને જનતાની કોર્ટમાં જશે. નવા CM માટે જે લોકોનું નામ ચાલી રહ્યું હતું કે એમાં દિલ્હીના મંત્રી આતિશીને સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવતાં હતાં. આમે કેજરીવાલની ધરપકડ પહેલાં આતિશીની પાસે સૌથી વધુ મંત્રાલય હતાં. આ યાદીમાં બે વાર વિધાનસભ્ય અને મંત્રી કૈલાશ ગહેલોત બીજા ક્રમે હતા. આ સાથે જૂના અને અનુભવી ગોપાલ રાય અને સૌરભ ભારદ્વાજનું નામ પણ યાદીમાં સામેલ હતું.
CM અરવિંદ કેજરીવાલના સરકારી આવાસ પર આજે પોલિટિકલ અફેર્સ કમિટી (PAC) ની બેઠક બોલાવવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હીના નવાં CMના નામ પર ચર્ચા થઈ શકે હતી. બેઠક પહેલાં AAP ના સિનિયર નેતા મનીષ સિસોદિયા અને રાઘવ ચઢ્ઢા અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતાં.
કેજરીવાલના આવાસ પર યોજાયેલી PAC ની આ બેઠકમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય શર્મા, દુર્ગેશ પાઠક, આતિશી, ગોપાલ રાય, ઈમરાન હુસૈન, રાઘવ ચઢ્ઢા, રાખી બિડલાન, પંકજ ગુપ્તા અને એનડી ગુપ્તા હાજર રહ્યાં હતાં.